એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં કદાચ અદાણી ગ્રુપ પણ ઝુકાવે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાને ખરીદવા માટેની રેસમાં અદાણી ગ્રુપ પણ જોડાશે અને તે આવતા મહિને એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) સુપરત કરવા વિચારે છે, એવું મિડિયા અહેવાલોનું કહેવું છે.

એર ઈન્ડિયાને ખરીદવાની પ્રક્રિયામાં અદાણી ગ્રુપને સામેલ કરવું કે નહીં એનો નિર્ણય EoI પ્રક્રિયા પૂરી થયા બાદ લેવાશે.

અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. એણે ત્રણ એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી મેળવી જ લીધી છે – અમદાવાદ, લખનઉ અને મેંગલોર. તે ઉપરાંત તિરુવનંતપુરમ, જયપુર અને ગુવાહાટી એરપોર્ટનું સંચાલન પણ એને સોંપવામાં આવશે એવા અહેવાલો છે. આ માટે તે સરકારની મંજૂરીની રાહ જુએ છે.

એર ઈન્ડિયાને હસ્તગત કરવાની રેસમાં સામેલગીરી વિશે અદાણી ગ્રુપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.

નિષ્ણાતોનું માનવું છે કે અદાણી ગ્રુપને એરપોર્ટ્સના સંચાલનની માલિકી આપવામાં આવી હોવાથી એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં એની સામે કાયદેસર પડકારો ઊભા થઈ શકે છે.

એર ઈન્ડિયાને ખરીદવા માટેની રેસમાં ટાટા ગ્રુપ પણ એક સ્પર્ધક હોવાનું મનાય છે. આ ગ્રુપ સિંગાપોર એરલાઈન્સ અને એર એશિયાને ઓપરેટ કરે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવાનું નક્કી કર્યું છે.

2018માં, સરકારે એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી હતી, પણ એકેય ખરીદાર આગળ આવ્યો નહોતો.

તેથી ગયા જાન્યુઆરીમાં, સરકારે જાહેરાત કરી હતી કે તે એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા માગે છે. જે કોઈ એર ઈન્ડિયાને ખરીદવા માગે એણે તેનું રૂ. 232.87 અબજના દેવા સહિતની જવાબદારીઓ પણ લેવાની રહેશે.