દેશમાં કોલસાની તંગીના અહેવાલો તદ્દન પાયાવિહોણાઃ સીતારામન

કેમ્બ્રિજ (અમેરિકા): દેશમાં કોલસાની તંગી સર્જાઈ છે અને તેને કારણે વીજળીસંકટ-અંધારપટની સંભાવના છે એવા અહેવાલોના સંદર્ભમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ભારપૂર્વક જણાવ્યું છે કે કોલસાની કોઈ તંગી નથી. તંગીના અહેવાલો સદંતર પાયાવિહોણા છે. ભારત તો વીજળીની પૂરાંત ધરાવતો દેશ છે.

સીતારામને કહ્યું કે કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર.કે. સિંઘે બે દિવસ પહેલાં ચોખ્ખું કહ્યું હતું કે દેશમાં કોલસાની કોઈ તંગી નથી. સીતારામને ગઈ કાલે કેમ્બ્રિજ શહેરમાં હાર્વર્ડ કેનેડી સ્કૂલ ખાતે આયોજિત એક વાર્તાલાપ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં કોલસાની જરાય તંગી નથી. અમારા ઊર્જા પ્રધાને પણ બે દિવસ પહેલાં આમ કહ્યું હતું. દરેક વીજઉત્પાદક એકમો પાસે એમના સ્થળ ખાતે જ આગામી ચાર દિવસ સુધી ચાલે એટલો કોલસાનો સ્ટોક છે અને સપ્લાય ચેનલ જરાય તૂટી નથી.