આઇસી15 ઇન્ડેક્સમાં 260 પોઇન્ટનો સાધારણ ઘટાડો 

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાશ રહેવાને પગલે મોટાભાગની ક્રિપ્ટોકરન્સીમાં સાધારણ વધઘટ જોવા મળી હતી. રશિયાએ યુક્રેનનાં શહેરો પર અવિરતપણે આક્રમણ ચાલુ રાખ્યું હોવાથી ભૂરાજકીય તંગદિલી વધી ગઈ છે. બિટકોઇનમાં નોંધનીય વૃદ્ધિ થયા બાદ સોમવારે તેનો ભાવ 41,500 ડૉલરની નીચે ચાલ્યો ગયો હતો.

અહેવાલો પરથી જાણવા મળે છે કે મૃત સમુદ્રનું વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બંદર ધરાવતું શહેર મરિઉપોલ હવે રશિયાના આક્રમણનો વધુ માર સહન કરી શકવાની સ્થિતિમાં નથી અને ટૂંક સમયમાં રશિયાના કબજા હેઠળ આવી જવાની આશંકા છે.

ઈંધણના ભાવ વધવાને પગલે અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતા જોતાં રોકાણકારોને લાગે છે કે અમેરિકન અર્થતંત્રની ગાડીને પાટે ચડાવવાનું ફેડરલ રિઝર્વ માટે કપરું રહેશે.

બીજી બાજુ, ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વ્યાખ્યાને વધુ ચુસ્ત બનાવીને વધુ કરવેરો લાદવાની દિશામાં હિલચાલ શરૂ થઈ છે. માઇનિંગનો ખર્ચ પણ કેપિટલ ગેઇનની સામે મજરે નહીં લઈ શકાય એવી જાહેરાત સંસદમાં કરવામાં આવી હોવાથી રોકાણકારોનું માનસ બગડ્યું છે.

બિટકોઇન ચોવીસ કલાકના ગાળામાં ઘટીને 41,200 ડૉલરની નજીક તથા ઈથેરિયમ 2,800 ડૉલરની નજીક ચાલી રહ્યા છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.43 ટકા (260 પોઇન્ટ) ઘટીને 60,279 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 60,520 ખૂલીને 60,727 સુધીની ઉંચી અને 58,769 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
60,520 પોઇન્ટ 60,727 પોઇન્ટ 58,769 પોઇન્ટ 60,279

પોઇન્ટ

ડેટાનો સમયઃ 21-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)