BSE સ્ટાર MF દ્વારા 50% નેટ ઈક્વિટી-ફંડ્સ એકત્ર કરાયું

મુંબઈઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ચાલુ વર્ષના મે મહિના ઈક્વિટી ફંડ્સની કુલ રૂ.10,083 કરોડની ચોખ્ખી આવક થઈ હતી, તેમાં BSE સ્ટાર MFનો હિસ્સો રૂ.5147 કરોડ રહ્યો હતો, જે 50 ટકાથી અધિક છે. આ ઉપરાંત BSE સ્ટાર MF દ્વારા ચાલુ વર્ષના મે મહિનામાં સૌથી અધિક 1.14 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ કર્યો હતો. એ પૂર્વે  એપ્રિલ, 2021માં 1.11 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

આ પ્લેટફોર્મ પર અન્ય એક રેકોર્ડ મે મહિનામાં એ સર્જાયો કે એક જ મહિનામાં 6.88 લાખ નવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) નોંધાયા હતા. આ પૂર્વે માર્ચ, 2021માં સૌથી અધિક 5.45 લાખ SIPs નોંધાયા હતા. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21માં કુલ 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા એની સામે નાણાકીય વર્ષ 2021-22ના માત્ર બે મહિના (એપ્રિલ-મે)માં તેના 24 ટકા એટલે કે 2.25 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.

આ પ્લેટફોર્મ પર મે મહિનામાં ટર્નઓવર આગલા વર્ષના મે મહિનાના રૂ.25,552 કરોડથી 21 ટકા વધીને રૂ.30,938 કરોડ થયું છે. નેટ ઈક્વિટી ઈન્ફ્લો આગલા વર્ષના મે મહિનાના રૂ.3493 કરોડથી 47 ટકા વધીને રૂ.5147 કરોડ થયો છે, જ્યારે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 93 ટકા વધીને 1.14 કરોડ થઈ છે.