બ્લુમબર્ગઃ વિશ્વના ટોચના 10 શ્રીમંતોમાં આઠ અમેરિકાના છે, જેમાં એમેઝોનના CEO જેફ બેઝોસ પહેલા, ટેસ્લાના CEO એલન મસ્ક ત્રીજા અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ સાતમા ક્રમાંકે છે, પણ એક અહેવાલ મુજબ વર્ષ 2014થી વર્ષ 2018 દરમ્યાન આ ત્રણ સહિત અમેરિકાના 25 સૌથી મોટા શ્રીમંતોએ મામૂલી ટેક્સ ભર્યો છે અથવા કોઈ ટેક્સ નથી આપ્યો. ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન પ્રોપબ્લિકાએ ટેક્સ એજન્સી ઇન્ટરનલ કેવન્યુ સર્વિસના આંકડાને આધારે આ દાવો કરવામાં આવ્યો છે.
ફોર્બ્સના જણાવ્યા મુજબ અમેરિકામાં દેશના સૌથી શ્રીમંત લોકોએ વેલ્થના મુકાબલે મામૂલી ટેક્સ ભર્યો છે. આ લોકોએ ટેક્સના રૂપે 13.6 બિલિયન ડોલરની ચુકવણી કરી છે, જ્યારે તેમની ક્લેક્ટિવ નેટવર્થ 401 બિલિયન ડોલર વધી હતી. આ એનાલિસિસ મુજબ વર્ષ 2014થી વર્ષ 2018 દરમ્યાન અમેરિકાના ટોચના 25 સૌથી શ્રીમંત લોકોએ 15.8 ટકા અથવા 13.6 બિલિયન ડોલરની સરેરાશે ટેક્સ ચૂકવ્યો છે. આ દસ્તાવેજોથી માલૂમ પડે છે કે આ શ્રીમંતોએ દેશની ટેક્સ સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવ્યો છે. આ શ્રીમંતો જે કમાણી કરે છે એ અમેરિકી કરવ્યવસ્થા હેઠળ ટેક્સના દાયરામાં નથી આવતી. આ શ્રીમંતોની કમાણી કંપનીઓના શેર, વેકેશન હોમ્સ, યોટ અને બીજા પ્રકારના મૂડીરોકાણમાંથી આવે છે, જે ટેક્સેબલ ઇનકમના દાયરા નથી આવતી.
પ્રોપબ્લિકાના જણાવ્યા મુજબ વિશ્વના સૌથી શ્રીમંત અને એમેઝોનના CEO જેફ બેઝોસે વર્ષ 2007માં ટેક્સને નામે કંઈ પણ નહોતું આપ્યું. વર્ષ 2011માં તેમની નેટવર્થ 18 બિલિયન ડોલર પહોંચી ગઈ હતી, પણ તેમણે નુકસાન બતાવીને તેમણે બાળકોને નામે 4000 ડોલરની ટેક્સ ક્રેડિટ લીધી હતી. બેઝોસ હાલ 190 અબજ ડોલરની નેટવર્થ સાથે સૌથી મોટા શ્રીમંત છે. બીજી બાજુ ટેસ્લાના માલિક એલન મસ્કે વર્ષ 2018માં ટેક્સને નામે એક રૂપિયો ભર્યો નથી. જોકે વોરેન બફેટે વર્ષ 2014-18 દરમ્યાન 2.37 કરોડ ડોલર ટેક્સ પેટે ભર્યા હતા, જ્યારે તેમની એસેટ્સ 24.3 બિલિયન ડોલર વધી હતી.