ડીએચએફએલ હસ્તગત કરવા પિરામલ ગ્રુપને મંજૂરીને ૬૩ મૂન્સ ટેક્નોલોજીસનો પડકાર

મુંબઈઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ફડચામાં ગયેલી ડીએચએફએલ (દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન) કંપની હસ્તગત કરવા માટે પિરામલ ગ્રુપને મંજૂરી આપી છે, પરંતુ ૬૩ મૂન્સ ટેક્નોલોજીસનું કહેવું છે કે હાલનો રિઝોલ્યુશન પ્લાન કાયદાથી વિરુદ્ધ તથા ડીએચએફએલના તમામ લેણદારો (ક્રેડિટર્સ)ના હિતની વિરુદ્ધ છે. આથી એક લેણદાર તરીકે ૬૩ મૂન્સે ટ્રિબ્યુનલના આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે. લેણદારોમાં બૅન્કો ઉપરાંત નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકોનો પણ સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ડીએચએફએલના પ્રમોટરો તથા અન્યોએ લેણદારો સાથે લગભગ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ડીએચએફએલના એડમિનિસ્ટ્રેટરે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ આ રકમની રિકવરી માટે અરજીઓ કરી છે. ૬૩ મૂન્સનું કહેવું છે કે જેમની સાથે છેતરપિંડી થઈ છે એમને જ આ રકમ મળવી જોઈએ, પરંતુ રિઝોલ્યુશન પ્લાનમાં ખરીદદાર (હાલની મંજૂરી મુજબ પિરામલ ગ્રુપ)ની તરફેણ કરવામાં આવી છે. પિરામલ ગ્રુપે ઉક્ત રિકવરીનું મૂલ્ય ફક્ત ૧ રૂપિયો ગણાવ્યું છે. આમ, લેણદારોના ભોગે પિરામલને ફાયદો થશે.

૬૩ મૂન્સની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે એનસીએલટીના આદેશની નકલ મળ્યા બાદ તેની સામે અપીલ કેવી રીતે કરવી તેના વિશે નિર્ણય લેવામાં આવશે.

કંપનીએ કહ્યું છે કે પિરામલ ગ્રુપે ડીએચએફએલના હાલના મૂલ્ય માટે જ બિડ કરી છે, જેમાં છેતરપિંડીથી પચાવી લેવાયેલી રકમ સામેલ નથી. આથી એ રકમમાંથી જેટલી રિકવરી થાય એ બધી જ લેણદારોને મળવી જોઈએ.

અહીં જણાવવું રહ્યું કે ૬૩ મૂન્સ ડીએચએફએલના ૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્યના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર ધરાવે છે. રિકવરીની રકમ લેણદારોને મળે એ માટે કંપનીએ મુંબઈસ્થિત એનસીએલટીમાં અરજી પણ કરી છે.

૬૩ મૂન્સના મતે હાલનો રિઝોલ્યુશન પ્લાન નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકો માટે નિરાશાજનક છે, કારણ કે પ્લાન મુજબ બીજા બધા કરતાં એમણે જ વધારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. બૅન્કો પણ લેણદાર છે, પરંતુ તેઓ પ્રમોટરની અંગત ગેરંટીનો ઉપયોગ કરીને નાણાં પાછાં મેળવવાનો અધિકાર ધરાવે છે. નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકો માટે એવો કોઈ માર્ગ ઉપલબ્ધ નથી.