નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે સતત બીજા મહિને રેપો રેટમાં વધારો કર્યો છે. બેન્કે રેપો રેટ 0.50 ટકા વધારી દીધો છે. હાલ રેપો રેટ 4.40 હતો, જે હવે 4.90 થયો છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટ અડધો ટકો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. MPCના બધા છ સભ્યોએ રેપો રેટમાં અડધો ટકો વધારવાના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. RBIના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ વધારો કરતાં કહ્યું હતું કે રિટેલ ઇન્ફેલેશન હજી મોટો પડકાર છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વમાં મોંઘવારી વધી છે, એમ તેમણે કહ્યું હતું.
યુક્રેન ક્રાઇસિસને લીધે સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે. જોકે કોરોના વાઇરસના સંક્રમણ અને યુદ્ધ છતાં અર્થતંત્રનો ગ્રોથ જારી છે. મોંઘવારી હવે વિશ્વમાં મોટી સમસ્યા બની ચૂકી છે. તેમણે મોનિટરી પોલિસીના અકોમોડેટિવ સ્ટાન્સમાં પણ બદલાવનું પણ એલાન કર્યું હતું. જેનો અર્થ એ થયો કે હળવી ધિરાણ નીતિનો દોર હવે પૂરો થયો છે.ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે લેવાયેલા નિર્ણય મુજબ મોનિટરી પોલિસીએ રેપો રેટ 0.50 ટકા વધારીને 4.90 ટકા કરી દીધો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)માં 0.50 ટકા વધારો કરવામાં આવ્યો છે, જેથી એ વધીને 4.65 ટકા થયો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF)માં પણ અડધો ટકાનો વધારો થયો છે અને હવે એ વધીને 5.15 ટકા થયો છે.
જોકે RBIએ નાણાકીય વર્ષ 2023ના ગ્રોથ રેટના અંદાજ 7.2 ટકા જાળવી રાખ્યો છે. પહેલા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથનો અંદાજ 16.2, બીજામાં 6.2 ટકા, ત્રીજામાં 4.1 અને ચોથા ત્રિમાસિક ગાળામાં ગ્રોથનો અંદાજ ચાર ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.