શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ

અમદાવાદ– શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં એકતરફી તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટી ઑલટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બેંકોને પેકેજ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવાથી શેરબજારમાં નવી લેવાલી ચાલુ રહી હતી. આજે બેંક, ઓઈલ એન્ડ ગેસ સેકટરની આગેવાની હેઠળ નવી લેવાલીથી તેજી આગળ વધી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 33,340.17 અને નિફટીએ 10,384.50 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. જો કે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 108.94(0.33 ટકા) વધી 33,266.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ વધુ 40.60(0.39 ટકા) વધી 10,363.65 બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ ક્લોઝ રહ્યા હતા.કેન્દ્ર સરકાર આર્થિક સુધારા સતત કરી રહી છે. ઈકોનોમીને બુસ્ટ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમજ સરકારે સરકારી બેંકોમાં 2.11 લાખ કરોડ રૂપિયા રિકેપિટાલાઈઝેશન પ્લાન બનાવ્યો છે. તેમજ 7 લાખ કરોડ રૂપિયાનો ભારતમાલા પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. જેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ટર સેકટરને બુસ્ટ મળશે. તેમજ અત્યાર સુધી કંપનીઓના સપ્ટેમ્બર આખરના બીજા કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે. મારૂતિ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એચયુએલ અને એચડીએફસી બેંકના પરિણામો ધારણા કરતાં વધુ ફેન્ટાસ્ટીક આવ્યા છે. આ બધા કારણોને પગલે શેરબજારમાં તેજીનો માહોલ બરકરાર રહ્યો છે. તેજીવાળા ખેલાડીઓ અને સ્થાનિક નાણા સંસ્થા સહિત મ્યુચ્યુઅલ ફંડોની નવી લેવાલી ચાલુ રહી છે. જો કે સામે કેટલીક એફઆઈઆઈ નેટ સેલર રહી છે.

  • આજે તેજી બજારમાં એફએમસીજી અને મેટલ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 185.74 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ વધુ 216.09 ઊંચકાયો હતો.
  • મહિન્દ્રા લાઈફનો બીજા ત્રિમાસિકગાળામાં નફો 59 ટકા ઘટી રૂ.14 કરોડ નોંધાયો
  • ટાટા મેટાલિક્સનો નફો 55 ટકા વધી રૂ.33.60 કરોડ આવ્યો, કંપની આગામી કવાર્ટરમાં પ્રોત્સાહક પરિણામ દર્શાવશે.
  • એયુ સ્મોલ ફાઈનાન્સનો નફો 3 ટકા ઘટી રૂ.68.2 કરોડ આવ્યો, બીજા કવાર્ટરમાં વ્યાજની આવક 12.4 ટકા વધી રૂ.219.70 કરોડ થઈ
  • જયંત એગ્રોનો નફો 6 ટકા ઘટી રૂ.15 કરોડ રહ્યો, કુલ આવક 58 ટકા વધી રૂ.610 કરોડ થઈ
  • ડીએચએફએલનો નફો 26.10 ટકા વધી રૂ.293.30 કરોડ નોંધાયો
  • વોકહાર્ટે 2018ના બીજા કવાર્ટરમાં રૂ.3.3 કરોડની ખોટ નોંધાવી છે. 2017ના વર્ષના બીજા કવાર્ટરમાં 17 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો
  • યુપીએલનો નફો 43.4 ટકા વધી રૂ.238 કરોડ થયો છે. કુલ આવક 6.5 ટકા વધી રૂ.3770 કરોડ થઈ
  • આઈડીએફસી બેંક અને શ્રી રામ કેપિટલનું જોડાણની વાતચીત રદ થવાની શકયતા છે. ચાર મહિનાથી ચાલી રહેલી વાતચીત છતાં બન્ને પક્ષો હજી સુધી વેલ્યુએશનને લઈને સહમત નથી.
  • મૈરિકો ઈન્ડસ્ટ્રીઝનો નફો રૂ.185 કરોડ થયો છે. કુલ આવક 6.7 ટકા વધી રૂ.1536.30 કરોડ થઈ છે.
  • એચડીએફસીનો નફો 15 ટકા વધી રૂ.2101 કરોડ થયો છે, અને વ્યાજની આવક 13.7 ટકા વધી રૂ.2,612 કરોડ થઈ છે
  • લ્યુપિનનો નફો 31.3 ટકા ઘટી રૂ.455 કરોડ થયો છે. બીજા કવાર્ટરમાં કુલ આવક 7.9 ટકા ઘટી રૂ.3,952 કરોડ નોંધાઈ છે.