આમ આદમી પાર્ટીના મહિલા નેતા સહિત 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત અગાઉ કરી ચૂકી છે. જનવિકલ્પ મોરચાના શંકરસિંહ વાઘેલા(બાપુ)એ આપ સાથે હાથ મિલાવવાની વાત કરી હતી, પણ આપના મહિલા વિંગની પ્રમુખ વંદના પટેલ અને ઋતુરાજ મહેતા સહિત 100થી વધુ કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઋતુરાજ ગાંધીનગરની બેઠક પર ભાજપના મોસ્ટ વરિષ્ઠર નેતા લાલકૃષ્ણ અડવાણીની સામે આપની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને ખૂબ આશાઓ જન્મી છે. જેથી પાર્ટી અને પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પોતાની પૂરી તાકાત લગાવી રહ્યાં છે. કોંગ્રેસને ચૂંટણીની રણનીતિમાં સફળતા મળી રહી છે. કોંગ્રેસ આવે છેના નારા સાથે ગુજરાતના ચૂંટણી મેદાનમાં અલ્પેશ ઠાકોર પછી પાટીદારોને રીઝવી રહી છે. પણ તે પહેલાં આમ આદમીના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે. આમ આદમી  પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ વંદના પટેલે કોંગ્રેસનો સાથ લીધો છે. તેની સાથે પાર્ટીના કાર્યકરો પણ આવ્યાં છે, જેથી કોંગ્રેસ મજબૂત બની છે, અને ગુજરાત કોંગ્રેસમાં નવું જોમ અને જુસ્સો આવ્યો છે.

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. પણ ચૂંટણી પહેલાં આપના કેટલાય નેતાઓ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.