બ્રિટિશ મહિલાના દાવો, ભારત પ્રવાસ બાદ મગજમાંથી મળ્યા ૩૮ પરોપજીવી!

લંડન: યુકે સ્થિત અગ્રણી મીડિયા આઉટલેટ્સના અહેવાલો અનુસાર, એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બ્રિટિશ મહિલાના મગજમાં ૩૮ જેટલા પરોપજીવીઓ (Parasites) વિકસિત થયા હોવાનું બહાર આવ્યું છે. આ ૪૨ વર્ષીય મહિલા, લોરી ડેનમેન (Lowri Denman), એવું માને છે કે ૨૦૦૭માં ભારતની બે મહિનાની મુલાકાત દરમિયાન તેણી આ ખતરનાક ચેપનો ભોગ બની હતી.વૈજ્ઞાનિક તપાસ બાદ ડેનમેનને ‘ન્યુરોસાયસ્ટીસરકોસિસ’ (Neurocysticercosis) હોવાનું નિદાન થયું હતું. આ એક દુર્લભ અને અત્યંત ગંભીર પરોપજીવી રોગ છે, જે ડુક્કરના ટેપવોર્મ (પોર્ક ટેપવોર્મ), જેને વૈજ્ઞાનિક ભાષામાં ટેનિયા સોલિયમ (Taenia solium) કહે છે, તેના કારણે થાય છે. આ સ્થિતિ સીધી રીતે મગજ અને નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) પર હુમલો કરે છે. અને વૈશ્વિક સ્તરે વાઈ (Epilepsy/ખેંચ આવવી) થવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે, જેને સમયસર અટકાવી શકાય છે. બીબીસીના અહેવાલ મુજબ, યુકે જેવા દેશોમાં આ રોગ અત્યંત દુર્લભ છે અને લોરી ડેનમેન દર વર્ષે ત્યાં આ રોગનું નિદાન મેળવનારા જૂજ લોકોમાંની એક છે.

રોગની શરૂઆત અને લાંબી સારવાર

ડેનમેનને સૌપ્રથમ ૨૦૧૧માં તેના શરીરમાં કંઈક ગરબડ હોવાનો અહેસાસ થયો હતો. ભારત પ્રવાસથી પરત ફર્યાના ચાર વર્ષ પછી, એક દિવસ શૌચાલયનો ઉપયોગ કરતી વખતે તેણીને આશરે એક મીટર લાંબો ટેપવોર્મ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ જ્યારે તેણીનું એમઆરઆઈ (MRI) સ્કેન કરવામાં આવ્યું, ત્યારે તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્કેનમાં તેના મગજની અંદર ૩૮ પરોપજીવી કોથળીઓ (Cysts) હોવાનું માલૂમ પડ્યું હતું. આ ભયાનક નિદાન પછી તેણીએ વર્ષો સુધી સઘન તબીબી સારવાર લીધી. જોકે, મગજમાં થયેલા આ ચેપને કારણે તેણીને વાઈ (સીઝર્સ)ની બીમારી થઈ ગઈ છે. જેને અંકુશમાં રાખવા માટે હવે તેણીએ આજીવન દવાઓ પર નિર્ભર રહેવું પડશે.

પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું ખરેખર તેણીનો ભારત પ્રવાસ જ આ ચેપ માટે જવાબદાર હતો? વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા માઇક્રોસ્કોપિક (સૂક્ષ્મ) ટેનિયા સોલિયમના ઇંડા ગળી જાય છે, ત્યારે ન્યુરોસાયસ્ટીસરકોસિસ વિકસે છે. સામાન્ય રીતે આ રોગ નબળી સ્વચ્છતા, અસ્વચ્છ વાતાવરણ અથવા હેન્ડ હાઈજીન (હાથની સફાઈ)ના અભાવને કારણે ફેલાય છે.

પરોપજીવીથી સંક્રમિત કાચું અથવા અધકચરું રાંધેલું ડુક્કરનું માંસ (Pork) ખાવાથી આંતરડામાં ટેપવોર્મનો ચેપ લાગે છે, પરંતુ તે સીધો મગજ સુધી પહોંચતો નથી. લોરી ડેનમેનનું કહેવું છે કે, તેણી જ્યારે ભારતમાં રોકાઈ હતી ત્યારે જાણી જોઈને તમામ પ્રકારની માંસાહારી કે પ્રાણી જન્ય પેદાશો ખાવાનું ટાળતી હતી. આમ છતાં, ચેપી રોગો અને સૂક્ષ્મજીવવિજ્ઞાનના બ્રિટિશ સલાહકાર ડૉ. બ્રેન્ડન હીલી માને છે કે, તેણી ભારતમાં અજાણતાં જ ટેપવોર્મના ઇંડાથી દૂષિત થયેલો કોઈ ખોરાક ખાવાને કારણે આ રોગનો ભોગ બની હતી. આ રોગચાળા અને તેના ફેલાવા અંગે નીચે મુજબની ત્રણ મહત્વની હકીકતો અને એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે:

હકીકત એક: માત્ર ડુક્કરનું માંસ જ નહીં, અન્ય સ્ત્રોતો પણ જવાબદાર

ડેનમેનના યુકે સ્થિત તબીબે જણાવ્યું કે તેણીને અજાણતાં માઇક્રોસ્કોપિક ટેપવોર્મ ઇંડા ધરાવતો ખોરાક લેવાથી આ ચેપ લાગ્યો હતો. સામાન્ય રીતે લોકો માને છે કે આ રોગ માત્ર ડુક્કરનું માંસ ખાવાથી જ થાય છે, તેથી જ આ પરોપજીવીને ‘પોર્ક ટેપવોર્મ’ કહેવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક સત્ય એ છે કે ટેપવોર્મનો ચેપ માત્ર ડુક્કરના માંસ પૂરતો મર્યાદિત નથી. ટેપવોર્મની અલગ-અલગ પ્રજાતિઓ જુદા-જુદા ખોરાક સાથે જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, અધકચરું રાંધેલું બીફ ખાવાથી ટેનિયા સેગિનાટા (બીફ ટેપવોર્મ) અને કાચી કે ઓછી રાંધેલી મીઠા પાણીની માછલી ખાવાથી ડિફાયલોબોથ્રિયમ પ્રજાતિના ટેપવોર્મ ફેલાય છે.

પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે માત્ર ટેનિયા સોલિયમ (ડુક્કરના ટેપવોર્મ)ના ઇંડા જ મગજ પર આક્રમણ કરીને ‘ન્યુરોસિસ્ટિકોસિસ’ પેદા કરી શકે છે. WHO અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના મતે, આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિ એવી વ્યક્તિના મળથી દૂષિત થયેલા સૂક્ષ્મ ઇંડા ખાઈ લે છે, જેના આંતરડામાં ઓલરેડી પુખ્ત ટેપવોર્મ રહેલો હોય. આ સૂક્ષ્મ ઇંડા માત્ર માંસ પર જ નહીં, પરંતુ કાચા શાકભાજી, ફળો, સલાડ અથવા સંક્રમિત વ્યક્તિના અસ્વચ્છ હાથો દ્વારા તૈયાર કરાયેલા કોઈપણ ખોરાક પર હોઈ શકે છે. તેથી, શાકાહારી લોકો પણ જો દૂષિત કાચો ખોરાક ખાય, તો આ મગજના પરોપજીવીનો શિકાર બની શકે છે.

હકીકત બે: દૂષિત પાણી પીવાથી પણ થઈ શકે છે સંક્રમણ

દૂષિત ખોરાકની જેમ જ, અસ્વચ્છ અને પ્રદૂષિત પાણી પીવું એ ટેપવોર્મ ટ્રાન્સમિશન (ફેલાવા)નો એક બહુ મોટો માર્ગ છે. ખાસ કરીને નબળી ગટર વ્યવસ્થા અને અપૂરતી સ્વચ્છતાવાળા વિસ્તારોમાં, સંક્રમિત વ્યક્તિના મળમાં રહેલા સૂક્ષ્મ ઇંડા પીવાના પાણીના સ્ત્રોતમાં ભળી જાય છે. જ્યારે કોઈ પ્રવાસી કે સ્થાનિક નાગરિક આવું દૂષિત પાણી પીએ છે, ત્યારે આ ઇંડા આંતરડામાં પહોંચીને ફૂટે છે. તેમાંથી નીકળતા લાર્વા લોહીના પ્રવાહ (Bloodstream) દ્વારા મગજ, સ્નાયુઓ અને અન્ય પેશીઓ સુધી મુસાફરી કરે છે અને ત્યાં સ્થિર થઈને કોથળીઓ (Cysts) બનાવી દે છે.

ઘણીવાર લોકોને પ્રશ્ન થાય છે કે શું સ્વિમિંગ કરવાથી આ રોગ થઈ શકે? નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ ખરાબ સ્વચ્છતાવાળા વિસ્તારોમાં આવેલી કુદરતી નદીઓ કે તળાવોમાં સ્વિમિંગ કરતી વખતે આકસ્મિક રીતે પ્રદૂષિત પાણી ગળી જાય, તો ન્યુરોસાયસ્ટીસરકોસિસનો ખતરો રહે છે. જો કે, યોગ્ય રીતે ફિલ્ટર કરેલા અને ક્લોરિનેશન કરેલા મોર્ડન સ્વિમિંગ પુલમાંથી આવો ચેપ લાગવો લગભગ અશક્ય છે.

હકીકત ત્રણ: યુકેમાં અત્યંત દુર્લભ, ભારતમાં કેસો સામાન્ય

બ્રિટનમાં કડક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ, આધુનિક ડુક્કર ઉછેર કેન્દ્રો, માંસનું ચુસ્ત નિરીક્ષણ અને અદ્યતન સેનિટેશન સિસ્ટમ હોવાને કારણે આ રોગ નહિવત જોવા મળે છે. લંડનની હોસ્પિટલ ફોર ટ્રોપિકલ ડિસીઝના એક અભ્યાસમાં ૨૦૦૧ થી ૨૦૧૫ વચ્ચે (૧૪ વર્ષમાં) માત્ર ૨૬ સક્રિય કેસ નોંધાયા હતા, એટલે કે વર્ષે સરેરાશ ૨ કરતા પણ ઓછા કેસ. આ પૈકીના ૬૫.૪ ટકા કેસ અન્ય દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સમાં હતા, જ્યારે બાકીના ૩૪.૬ ટકા કેસ એવા બ્રિટિશ પ્રવાસીઓના હતા જેમણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા કે દક્ષિણ એશિયા (ભારત સહિત)ના દેશોનો પ્રવાસ કર્યો હોય.

બીજી તરફ, ભારત એવો દેશ છે જ્યાં આ રોગ એન્ડેમિક (સ્થાનિક સ્તરે વ્યાપક) છે. ભારતમાં રાષ્ટ્રીય સ્તરે આ રોગ માટે કોઈ કેન્દ્રીય સર્વેલન્સ ડેટા રાખવામાં આવતો નથી. પરંતુ તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ‘ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, સ્થાનિક વસ્તીમાં સક્રિય વાઈ (Epilepsy)ના કેસોમાં ૨૮% થી ૩૪% હિસ્સો ન્યુરોસાયટીસર્કોસિસનો હતો. આના આધારે સંશોધકો અંદાજ લગાવે છે કે ભારતમાં દર ૧,૦૦૦ લોકોએ આશરે ૧ વ્યક્તિ આ રોગથી પીડાતી હોઈ શકે છે, જે સૂચવે છે કે દેશમાં લાખો લોકો આ પરોપજીવી સાથે જીવી રહ્યા છે.

મોટો પ્રશ્ન: શું લોરી ડેનમેનને ભારતમાંથી જ આ ચેપ લાગ્યો તેની ૧૦૦% ખાતરી થઈ શકે?

આ સવાલનો ટૂંકો અને સ્પષ્ટ જવાબ એ છે કે, આપણે સંપૂર્ણ વૈજ્ઞાનિક ખાતરી સાથે ન કહી શકીએ કે લોરી ડેનમેનને આ ચેપ ભારતમાંથી જ લાગ્યો હતો. તબીબી વિજ્ઞાનમાં એવું કોઈ લેબોરેટરી પરીક્ષણ કે ડીએનએ ટેસ્ટ ઉપલબ્ધ નથી જે એ નક્કી કરી શકે કે ટેપવોર્મ કયા દેશ કે ચોક્કસ ભૌગોલિક લોકેશનમાંથી દર્દીના શરીરમાં પ્રવેશ્યો હતો.

ડોક્ટરો સામાન્ય રીતે દર્દીના પ્રવાસ ઇતિહાસ (Travel History) અને જે તે દેશમાં રોગના વ્યાપ (Epidemiology)ના આધારે જ માત્ર અંદાજ લગાવે છે. ડેનમેનના કિસ્સામાં, યુકેમાં આ રોગ નહિવત હોવાથી અને ભારતમાં તેનો વ્યાપ ઘણો વધારે હોવાથી, ૨૦૦૭નો તેનો ભારત પ્રવાસ જ સૌથી સંભવિત સ્ત્રોત માનવામાં આવ્યો છે. વળી, આ પરોપજીવીના લક્ષણો દેખાતા મહિનાઓ કે વર્ષો લાગી શકે છે, જે ડેનમેનના કિસ્સામાં ૪ વર્ષ પછી (૨૦૧૧માં) બહાર આવ્યા હતા. તેથી, બ્રિટિશ ડોકટરોનો આ નિષ્કર્ષ કોઈ નક્કર પ્રયોગશાળાના પુરાવા પર નહીં, પરંતુ માત્ર તબીબી સંભાવનાઓ અને રોગચાળાના આંકડાઓ પર આધારિત છે.