અમદાવાદ: વિશ્વ જ્યારે અશાંતિ, સંઘર્ષ, માનસિક તણાવ અને મૂલ્યહ્રાસના યુગમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે બ્રહ્માકુમારી સંસ્થાના સાકારી સંસ્થાપક દાદા લેખરાજ (બ્રહ્મા બાબા) દ્વારા આપેલ આધ્યાત્મિક દૃષ્ટિ આજે વધુ પ્રાસંગિક બની છે. 18મી જાન્યુઆરી દાદા લેખરાજનો 57મો અવ્યક્ત દિવસ —જે માત્ર એક સ્મૃતિ દિવસ નહીં, પરંતુ માનવજાત માટેના તેમના દુરદર્શી વિચારોને ફરી વિચારવાનો અવસર છે.

દાદા લેખરાજ કોઈ સામાન્ય સમાજસુધારક નહોતા. તેઓ એક સફળ હીરાના વેપારી હતા, પરંતુ પરમાત્મા દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમજ આંતરિક જાગૃતિએ તેમને ભૌતિક સફળતાથી આધ્યાત્મિક પરિવર્તન તરફ દોરી ગયા. તેમણે જીવનમાં અનુભવી લીધું કે સાચો વિકાસ બાહ્ય સમૃદ્ધિમાં નહીં, પરંતુ આત્મિક શુદ્ધતા અને ચેતનાના પરિવર્તનમાં છે. પરમાત્મા શિવ દ્વારા કરાયેલા સાક્ષાત્કારના આધારે તેમણે ભવિષ્યની પરિસ્થિતિઓને ઓળખી અને માનવ સમાજને નવીદિશા આપવાના સિદ્ધાંતો રજૂ કર્યા.
દાદા લેખરાજે આપેલા મુખ્ય સિદ્ધાંતોમાં આત્મજ્ઞાન, પરમાત્મા શિવ પિતાને યાદ કરવાની વિધિ અર્થાત રાજયોગ મેડિટેશન, પવિત્રતા, અહિંસા, સર્વપ્રત્યે સન્માન અને વિશ્વ બંધુત્વનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે આવનારા સમયમાં માનવીને સૌથી મોટો સંઘર્ષ બાહ્ય નહીં પરંતુ આંતરિક હશે—મન, વિચાર અને સંબંધોના સ્તરે. આજે વિશ્વમાં વધતો તણાવ, અવસાદ, યુદ્ધો અને પર્યાવરણીય અસંતુલન તેમની આગાહીનો સાક્ષી પુરાવો આપે છે.
આ આધ્યાત્મિક દૃષ્ટિ પરથી જ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ. એક એવી સંસ્થા, જે કોઈ જાતિ, ધર્મ કે દેશની સીમામાં બંધાયેલી નથી, પરંતુ સમગ્ર માનવજાતને એક કુટુંબ તરીકે જોવાની ભાવનાને પ્રસારિત કરે છે.
દાદા લેખરાજનું એક અદ્વિતીય યોગદાન હતું મહિલાઓનું સશક્તિકરણ. જ્યારે સમાજમાં સ્ત્રીઓને નિર્ણયશક્તિ આપવાની કલ્પના પણ દુર્લભ હતી, ત્યારે તેમણે બહેનોને નેતૃત્વ સોંપ્યું. આજે આ જ દૃષ્ટિનું પરિણામ છે કે વિશ્વના 140થી વધુ દેશોમાં, આશરે 5,500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ ફેલાઈ રહી છે અને તેમાં 50,000થી વધુ બ્રહ્માકુમારી બહેનો તેમજ 10,000થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ સંપૂર્ણ સમર્પણ સાથે સેવા આપી રહ્યા છે.
આ ભાઇ-બહેનો માત્ર આશ્રમમાં સીમિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, વહીવટ, પોલીસ, સૈન્ય, રાજકારણ અને કોર્પોરેટ ક્ષેત્ર સુધી માનસિક શાંતિ અને મૂલ્યઆધારિત જીવનનો સંદેશ લઈ જઈ રહ્યા છે. સંસ્થા દ્વારા ભારતના છેવાડાના ગામડાઓમાં અભિયાન દ્વારા લાખો વ્યક્તિઓને વ્યસનથી મુક્ત કર્યા છે. સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપી છે. રાજયોગ ધ્યાન દ્વારા વ્યક્તિને અંદરથી મજબૂત બનાવવાનો આ પ્રયાસ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત બની ગયો છે.
57મો અવ્યક્ત દિવસના આ પાવન અવસરે દાદા લેખરાજનું જીવન આપણને એક જ સંદેશ આપે છે— વિશ્વ પરિવર્તન પહેલાં સ્વ-પરિવર્તન જરૂરી છે. જો આજનો માનવી તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે, તો વર્તમાન સંકટ પણ સંભાવનામાં પરિવર્તિત થઈ શકે છે. દાદા લેખરાજ આજે વ્યક્ત સ્વરૂપે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમના વિચારો, સંકલ્પ અને સંસ્થાના માધ્યમથી તેઓ આજે પણ વિશ્વને શાંતિ, પવિત્રતા અને આશાના માર્ગે દોરી રહ્યા છે.


