અમદાવાદઃ જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની બેંક ઓફ બરોડાએ ગુજરાતના મહેસાણામાં ગોઝારિયા ગામે એક મેગા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓના વિભાગ (ડીએફએસ) દ્વારા શરૂ કરાયેલા દેશવ્યાપી સંતૃપ્તિ અભિયાન (સેચ્યુરેશન કેમ્પેન)ના ભાગરૂપે યોજવામાં કરવામાં આવ્યો હતો. 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી યોજાયેલા આ કેમ્પેનનો ઉદ્દેશ ગ્રામ પંચાયત, (જીપી) અને અર્બન લોકલ બોડીઝ (યુએલબી) સ્તરે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજનાઓના 100 ટકા કવરેજને સુનિશ્ચિત કરવાનો હતો.
ગુજરાતમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (એસએલબીસી)ના કન્વીનર તરીકે બેંક ઓફ બરોડાએ આ કાર્યક્રમના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા, બેંક ઓફ બરોડાના MD અને CEO દેવદત્ત ચંદ, RBIના રિજનલ ડિરેક્ટર રાજેશ કુમાર, બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ગુજરાતની એસએલબીસીના કન્વીનર અશ્વિની કુમાર, ગોઝારિયા ગ્રામ પંચાયતના સરપંચ તૃપ્તિબહેન અમૃતભાઈ મિસ્ત્રી તેમ જ વિવિધ બેંકોના સિનિયર એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. 1000થી વધુ ગ્રામીણો અને અગ્રણી સ્થાનિક નાગરિકોએ પણ આ કેમ્પમાં હાજરી આપી હતી.
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય સમાવેશકતાના મહત્ત્વ અને દરેક નાગરિકને બેંકિંગ સુવિધાઓની એક્સેસ મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેંક ખાતું ખોલવું તે નાણાકીય સશક્તીકરણ તરફનું પહેલું પગલું છે અને ખાતાધારકોને તેમનાં ખાતાં ખોલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પહેલ અંગે બેંક ઓફ બરોડાના MD અને CEO દેવદત્ત ચંદે જણાવ્યું હતું કે નાણાકીય સમાવેશકતા એ સમાન વિકાસ અને સામાજિક સશક્તીકરણનું મુખ્ય પરિબળ છે. આવા સેચ્યુરેશન કેમ્પેઇન્સ થકી અમારો ઉદ્દેશ દરેક લાયક નાગરિક સુધી પહોંચવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે નાણાકીય અને સામાજિક સુરક્ષાની યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે. ગોઝારિયામાં લોકોએ જે પ્રકારે ભાગ લીધો અને ઉત્સાહ દર્શાવ્યો તે આપણે સામૂહિકપણે જે અસર ઊભી કરી શકીએ છીએ તે દર્શાવે છે. તેમણે તમામ ગ્રાહકોને બેંકમાં રહેલા તેમના ખાતાના રી-કેવાયસી થાય તે સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરી હતી.
આ કાર્યક્રમના ભાગરૂપે પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (પીએમજેજેબીવાય) હેઠળ ક્લેઇમના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. પીએમજેજેબીવાય અને પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાય) હેઠળ સર્ટિફિકેટ્સ ઓફ ઇશ્યુઅન્સ તથા અટલ પેન્શન યોજના (એપીવાય) હેઠળ એનરોલમેન્ટ એક્નોલેજમેન્ટ રિસિપ્ટ્સનું પણ નવા દાખલ થયેલા લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં બેંકના ગોઝારિયા ગ્રામ પંચાયત હેઠળ કામ કરતી તમામ બેંકની શાખાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.
