વડોદરામાં બોટ અકસ્માત મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત

મોરબીની ગોઝારી દુર્ઘટના હજુ તો ભૂલાઈ નથી ત્યારે વડોદરામાં મોરબી જેવી જ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ 25થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 15ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દરમિયાન આ ઘટનાને લઈ વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ આ સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે હવે પોતે મુખ્યમંત્રી વડોદરા પહોંચી ગયા છે અને ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.

વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ

પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી ન્યૂ સન રાઇઝ સ્કૂલના બાળકોને આજે હરણી સ્થિત તળાવના પ્રવાસ માટે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બાળકોને બોટમાં ફરાવવામાં આવી રહ્યાં હતા. ત્યારે અચાનક બોટલ તળાવમાં પલ્ટી ખાઇ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની તમામ ટીમ સ્થળ પર કામે લાગી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં શોધખોળ કરતા સાતથી 8 બાળકોને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે. વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા. ગુરૂવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે.

હરણી દુર્ઘટના પર ગુજરાત સીએમએ કરી સહાયની જાહેરાત

હરણી દુર્ઘટના મામલે અગાઉ પીએમઓ દ્વારા સહાયની જાહેરાત બાદ હવે ગુજરાત સરકારે દુર્ઘટના પર સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે મૃતકોના પરિવાર માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે તેમજ ઈજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

હરણી ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત

વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.