બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPને બે તૃતીયાંશ બહુમતઃPM મોદીએ આપ્યાં અભિનંદન

ઢાકાઃ બાંગ્લાદેશની ચૂંટણીમાં બંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ને એકતરફી જીત મળી છે. બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં BNPએ મોટી જીત નોંધાવી છે. 299 બેઠકોમાંથી 200થી વધુ બેઠકો પર પાર્ટી આગળ ચાલી રહી છે, જે બહુમતી માટે જરૂરી 150ના આંકડા કરતાં ઘણી વધુ છે. બીજી તરફ ચૂંટણીમાં મહત્વની ગણાતી જમાત-એ-ઇસ્લામી પાર્ટીને આ વખતે મોટો આંચકો લાગ્યો છે.

 આ મોટી જીત માટે ભારતના વડા પ્રધાન મોદીએ BNPના નેતા તારિક રહેમાન ને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભારત લોકશાહી, પ્રગતિશીલ અને સમાવી લેતા બંગલાદેશ માટે પોતાનું સમર્થન ચાલુ રાખશે.

પીએમ મોદીનું નિવેદન — સમર્થન ચાલુ રહેશે

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં BNPને નિર્ણાયક જીત મળવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ જીત બાંગ્લાદેશની જનતાનો તમારા નેતૃત્વ પરનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત લોકશાહી, પ્રગતિશીલ અને સમાવી લેતા બાંગ્લાદેશ માટે પોતાનું સમર્થન ચાલુ રાખશે. આપણા બહુમુખી સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સંયુક્ત વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે હું આપ સાથે કામ કરવા આતુર છું.

તારિક રહમાનના વડા પ્રધાન બનવાની સંભાવના મજબૂત

ચૂંટણીમાં મોટી જીત મળતા BNP અધ્યક્ષ તારિક રહેમાનના વડા પ્રધાન બનવાની સંભાવના હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેમના સલાહકાર સૈયદ મોઅઝ્ઝમ હુસેન અલાલાએ પાર્ટીની ભવ્ય જીત અને શપથવિધિની સંભાવિત તારીખની જાહેરાત પણ કરી છે.

તેમણે જણાવ્યું કે BNPને પૂર્ણ બહુમતી મળી છે. જમાત-એ-ઇસ્લામી પાર્ટીને પણ સારી સંખ્યામાં બેઠકો મળી છે. શપથવિધિ સમારોહ સંભવતઃ 14 ફેબ્રુઆરીએ યોજાશે.