વૈશ્વિક પડકારો સામે ટકીને વિકસિત ભારત બનાવવા માટેની બ્લુપ્રિન્ટ

 વૈશ્વિક સ્તરે વેપાર બાબતે ચાલી રહેલાં ઘર્ષણો તથા ભૂરાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે આ વખતનું કેન્દ્રીય બજેટ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરનારા દેશ તરીકેનું ભારતનું સ્થાન ટકાવી રાખવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું છે.

રિઅલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ- કુલ રાષ્ટ્રિય ઉત્પાદન)નો વૃધ્ધિ દર આગામી વરસ માટે ૬.૮ ટકાથી ૭.૨ ટકા આસપાસ અંદાજાયો છે. જેના માટે વિકાસલક્ષી મુડીખર્ચની સાથે-સાથે શિસ્તબધ્ધ ફિસ્કલ મેનેજમેન્ટ (રાજકોષીય સંચાલન)નું આયોજન કરાયું છે.

નાણા પ્રધાને વિકસિત ભારતના ઊંચા વિઝનને ટોચ પર રાખી એવાં કર્તવ્યો (લક્ષ્યો) નિર્ધારિત કર્યાં છે, જેમાં સર્વસમાવેશ (ઈન્કલુઝિવ)નો અભિગમ સામેલ થઈ જાય છે, અર્થાત બધાંને વિકાસના ફળ મળશે. સરકાર એને સબ કા સાથ, સબ કા વિકાસ કહે છે. આ સંજોગોમાં અંદાજપત્રે લાંબા ગાળાનો રેઝિલિયન્સ પ્લાન (પડકારોનો સામનો કરતાં કરતાં પ્રગતિ કરવા) સાથે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવાની રૂપરેખા ઘડી છે. આ રેઝિલિયન્ટ ગ્રોથ પ્લાન એટલે કપરા સંજોગો વચ્ચે પણ મજબુત રહેવાનો તથા એનર્જેટિક (ઊર્જાસભર), આશાવાદી અને પ્રતિબદ્ધ રહેવાનો નિર્ધાર.

આર્થિક સ્થિરતા અને રાજકોષીય શિસ્ત

હાલમાં અનેક વિકસિત દેશો પોતાની સામેના ટુંકા ગાળાના પડકારોને મેનેજ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એમણે પોતાની ‘વગદાર સ્થિતિ’નો ઉપયોગ કરીને અમુક પગલાં ભર્યાં છે. આવા સમયે ભારત લાંબા ગાળાનું સાતત્ય જાળવી રાખવાના નિર્ધાર સાથે આગળ કૂચ કરવા કટિબધ્ધ બન્યું છે. સરકારે ફિસ્કલ ડેફિસિટને નાણાંકીય વરસ ૨૦૨૭ સુધીમાં જીડીપીના ૪.૩ ટકાના સ્તરે નીચે રાખવા કમિટેડ હોવાનો દાવો કર્યો છે. જે ગયા વરસે ૪.૪ ટકા હતી. સરકારે બજેટ મારફત તેનો જીડીપી સામેનો ડેટ રેશિઓ પણ ૫૫.૬ ટકા જેવો નીચે લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે, જેને ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા પર લઈ જવાનો મધ્યમ ગાળાનો નિર્ધાર પણ જાહેર કર્યો છે. આ દિશામાં આગળ વધવાનો અર્થ એ થાય કે આગળ જતાં સરકારનો વ્યાજ બોજ ઘટે અને સરકાર રચનાત્મક જાહેર મૂડીગત ખર્ચ માટે નોંધપાત્ર અવકાશ ઊભો કરી શકે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસ

આ બજેટનું મુખ્ય લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર આધારિત વિકાસ પર ભાર મુકવાનું છે.  જેથી સરકારે ૧૨.૨ લાખ કરોડ રૂપિયાનો વિક્રમી મુડીગત ખર્ચ જાહેર કર્યો છે, જે ૨૦૨૬ની તુલનાએ ૯ ટકા વધુ છે. આનો આધાર સરકારે ટ્રાન્સપોર્ટ, એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને રાખ્યો છે. આને ઈકોનોમીની ઈમારતનું માળખું કહી શકાય. ખાનગી મુડીરોકાણને આકર્ષવા તેમ જ મધ્યમ ગાળાના વિકાસને હાંસલ કરવાનો વ્યુહ આમાં સામેલ છે.  બજેટની મુખ્ય જાહેરાતોમાં  સાત હાઇ સ્પિડ રેલ કોરિડોર, પૂર્વમાં ડંકુનીથી પશ્ચિમમમાં સુરતને જોડતા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને ૨૦ નવા રાષ્ટ્રીય જળમાર્ગો સામેલ છે. ‘સિટી ઈકોનોમિક રિજન્સ’ મારફત સરકાર શહેરી વિકાસને પણ જબરદસ્ત બળ પુરું પાડવા માગે છે. બજેટે પાંચ યુનિવર્સિટી ટાઉનશિપ્સ પણ પ્લાન કરી છે. આ બધાં પગલાં ભરવા પાછળનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસના અનેક અને સસ્ટેનેબલ (સાતત્યપૂર્ણ) ચાલકબળ તૈયાર કરવાનો છે.

મારા મતે ઈન્ફ્રાસ્ટ્રકચર રિસ્ક ગેરેન્ટી ફંડ પણ મહત્વનું કદમ છે, જે લેન્ડર્સને આંશિક ક્રેડિટ ગેરેન્ટી આપે છે, આને પગલે ધિરાણ ઉપલબ્ધિ બહેતર બનશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ માટેનો મૂડીગત ખર્ચ ઘટશે.

ડિજિટલ ઈન્ડિયા અને રોકાણ માટેનાં પ્રોત્સાહનો

આ બજેટની એક આંખે ઉડીને વળગે એવી જાહેરાત વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે ૨૦૪૭ સુધી ઓફર થયેલા ટેક્સ હોલિડેની છે, આ કેપિટલ ઈન્ટેન્સિવ (મુડી રોકાણ લક્ષી)  સ્વરૂપના ડેટા સેન્ટર્સ ભારતના લાભમાં રહેશે, આને પગલે પાવર કોસ્ટ, ઓપરેટિંગ કાર્યક્ષમતા અને ડિજિટલ કનેકટિવિટીનો લાભ મળશે, જેનાથી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રાકચર માટે ભારત સંભવિત હબ બની શકશે. ભારતના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) ઈકોસિસ્ટમ મજબુત બનશે તેમ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા રોજગારનું સર્જન કરવામાં તે સહાયરૂપ થશે.

એસીટીટીની માર્કેટ પર અસર

એક ચર્ચા બજેટ બાદ કેન્દ્રમાં રહી છે, જે કેપિટલ માર્કેટમાં એસટીટી (સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ)ના વધારાની છે. આ ટેકસ વધારો ફયુચર્સ અને ઓપ્શન્સ માર્કેટના સોદાઓને લાગુ કરાયો છે, જેને પરિણામે ટુંકાગાળામાં વોલેટિલિટી વધી શકે છે, પરંતુ લાંબે ગાળે ફંડામેન્ટલ્સ ગ્રોથને આધારે માર્કેટ આઉટલુક રચનાત્મક રહેશે. બધાં જ શેરધારકો માટે બાયબેકના નફા પરનો કેપિટલ ગેઈન ટેકસ અને માત્ર પ્રમોટર્સ પર જ વધારાનો ટેકસ લાગુ કરવાનો નિર્ણય માઇનોરિટી શેરધારકો માટે પોઝિટિવ પગલું કહી શકાય. ગ્રોસ માર્કેટ બોરોઈંગ વધીને ૧૭.૨ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ મુકાયો છે, કિંતુ નેટ બોરોઈંગમાં કોઈ ફેરફાર નથી, જે ચિંતા ઘટાડનારું પગલું છે.

શિસ્ત સાથે કમિટમેન્ટ

બજેટના તમામ પાસાઓ પર નજર કરતા નિષ્કર્ષ એ આવે છે કે બજેટે સરકારી ખર્ચ સતત ચાલુ રાખીને અને ડિજિટલ ઈકોનોમી માટે ટાર્ગેટેડ પ્રોત્સાહનો આપીને ભારતની વિકાસ ગાથા આગળ વધારવાનો વ્યુહ રાખ્યો છે. સરકારે આ સાથે રાજકોષીય શિસ્ત જાળવવાનું કમિટમેન્ટ પાળ્યું છે. આ પગલાં ભારતને લાંબા ગાળે વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

(નીલેશ શાહ – મેનેજિંગ ડિરેકટર, કોટક મહિન્દ્ર એ.એમ.સી.)