આવતીકાલથી ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થવા જઇ રહ્યો છે. જેમાં અંબાજીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ કરાવશે. તથા PM મોદી ઝારખંડમાંથી યાત્રા શરૂ કરાવશે. તેમાં લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી બાહુલ્ય આઠ જિલ્લાઓમાં રથ ફરશે.
અનૂસુચિત જનજાતિ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું આયોજન
એક રથ એક દિવસમાં બે ગ્રામ પંચાયતોમાં ફરશે. જનજાતીય ગૌરવ દિવસ 15મી નવેમ્બરને બુધવારથી ભારત સરકાર દ્વારા દેશમાં અનૂસુચિત જનજાતિ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રાનું આયોજન કરાયુ છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડમાંથી રાષ્ટ્રવ્યાપી તેનો આરંભ કરાવશે. જ્યારે ગુજરાતમાં અંબાજીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેની શરૂઆત કરાવશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પૂર્વે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ભારત સરકાર દ્વારા 9 વર્ષની કામગીરીનો રિપોર્ટ સાથે યાત્રાનું આયોજન થયુ છે.
રથ ઉપરથી જ LED અને પોસ્ટર મારફતે 17 પ્રકારની યોજનાઓની માહિતી રજૂ કરાશે
ગુજરાતી નવવર્ષના બીજા દિવસે અર્થાત 15મી નવેમ્બર, બુધવારથી શરૂ થનારી આ યાત્રાના રથ રાજ્યમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા આઠ જિલ્લાઓમાં ફરશે. શિડયુલ ટ્રાઈબ- ST જિલ્લાઓમાં બનાસકાંઠા, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ અને ભરૂચ એમ આઠ જિલ્લાઓમાં 22મી ડિસેમ્બર સુધી 19 જેટલા રથો મારફતે વડાપ્રધાન મોદી સરકારની નવ વર્ષની કામગીરીનો હિસાબ અપાશે. એક રથ એક દિવસમાં બે ગ્રામ પંચાયતોમાં ફરશે. રથ ઉપરથી જ LED અને પોસ્ટર મારફતે 17 પ્રકારની યોજનાઓની માહિતી રજૂ કરાશે. રથ જે દિવસે જે ગામમાં જાય તે જ દિવસે એ ગામમાં ગ્રામસભા યોજવા પણ આદેશો આપાયા છે. 22 ડિસેમ્બર બાદ 20મી જાન્યુઆરી- 2024થી અગાઉના 19 રથમાં બીજા 110 રથોનો ઉમેરો કરીને બાકીના વિસ્તારોમાં તેમનું ભ્રમણ કરાવાશે.