ફેબ્રુઆરીના અંતમાં યોજાનારી મેઘાલય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે રાજ્યની તમામ 60 બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી. ઉમેદવારોના નામની જાહેરાત પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહા અને મેઘાલય એકમના પ્રમુખ અર્નેસ્ટ મોરીએ બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહાએ કહ્યું કે મેઘાલયમાં પહેલીવાર ભાજપ તમામ 60 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકમાં આ નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના CECના તમામ સભ્યો હાજર હતા.
BJP announces a list of 60 candidates for the upcoming Meghalaya Legislative Assembly election pic.twitter.com/ozVkp2zlLl
— ANI (@ANI) February 2, 2023
2 માર્ચે મત ગણતરી થશે
મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી છે. મતગણતરી 2 માર્ચે થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 47 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તે માત્ર બે બેઠકો જીતી શકી હતી. તેના ઉમેદવારો સાત બેઠકો પર બીજા અને 12 બેઠકો પર ત્રીજા સ્થાને હતા. સિંહાએ કહ્યું કે મેઘાલયના લોકો ભ્રષ્ટાચાર અને ભાજપ શાસિત પડોશી રાજ્યોની સરખામણીમાં આ રાજ્યના વિકાસની ધીમી ગતિથી ચિંતિત છે.
લોકોને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ છે – રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહા
રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હાએ વધુમાં કહ્યું કે, “સડકોની હાલત ખરાબ છે, કલાકો સુધી પાવર કટ રહે છે, લોકોને સારવાર માટે ગુવાહાટી જવું પડે છે. આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.” સિંહાએ કહ્યું કે કેન્દ્રીય યોજનાઓ મેઘાલય સુધી પહોંચી રહી છે પરંતુ તેના અમલીકરણની ગતિ ધીમી છે. તેમણે કહ્યું, “આ વખતે ભાજપે ‘મજબૂત મેઘાલય’નો નારો આપ્યો છે કારણ કે રાજ્યની જનતાને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ છે.
હાલમાં મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP), પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (PDF), BJP અને હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP) અને કોનરાડ સંગમાની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર છે. જોકે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઈ રાજકીય પક્ષે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી નથી.
છેલ્લી ચૂંટણીમાં શું સ્થિતિ હતી?
મેઘાલયની છેલ્લી ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. કોંગ્રેસ 21 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની, પરંતુ બહુમતીથી તે ઓછી પડી. કોનરાડ સંગમાની આગેવાની હેઠળની NPP 19 બેઠકો સાથે બીજા ક્રમે હતી. રાજ્યના UDPના છ સભ્યો ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. એ જ રીતે રાજ્યની પીડીએફે ચાર બેઠકો જીતી હતી અને ભાજપ અને એચએસપીડીપીએ બે-બે બેઠકો જીતી હતી. ચૂંટણી પરિણામો પછી, સંગમાએ ભાજપ, UDP, PDF, HPPDP અને એક અપક્ષ સાથે ગઠબંધન સરકારની રચના કરી અને રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા.