બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપના પ્રદેશપ્રમુખ બી.વાય. વિજયેન્દ્રના એક દાવાથી રાજકીય ગરમાવો વધ્યો છે. સોમવારે મિડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે જો રાજ્યમાં અત્યારે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે, તો કેબિનેટના અનેક મંત્રીઓ સહિત કોંગ્રેસના 25 ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર છે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બી.એસ. યેદિયુરપ્પાના પુત્ર અને શિકારીપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું હતું કે હું પાર્ટીના પ્રદેશપ્રમુખ તરીકે એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે જો આવતી કાલે પણ ચૂંટણીની જાહેરાત થઈ જાય, તો ડી.કે. શિવકુમારની કેબિનેટના મંત્રીઓ સહિત કોંગ્રેસના 25 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે.
રાજકીય માહોલ ભાજપની તરફેણમાં બની રહ્યો છે
એ દરમિયાન બી.વાય. વિજયેન્દ્રને પૂછવામાં આવ્યું કે શું તેઓ સત્તાધારી પક્ષના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમારે આવું કંઈ કરવાની જરૂર નથી. જોકે પાર્ટીના રાજ્યપ્રમુખ તરીકે હું સ્પષ્ટપણે કહી શકું છું કે રાજકીય માહોલ ભાજપની તરફેણમાં બની રહ્યો છે અને કોંગ્રેસના ઘણા નેતાઓ પક્ષ બદલવા માટે તૈયાર છે.
‘25 CONGRESS MLAs READY TO JOIN BJP’: VIJAYENDRA’S BIG CLAIM TRIGGERS SHIVAKUMAR’S RETORT
Karnataka BJP chief BY Vijayendra has claimed that 25 Congress MLAs, including Cabinet ministers, would switch to the BJP if elections were held now.
Chief Minister DK Shivakumar fired back, challenging Vijayendra to bring the leaders into the saffron party without wasting any time.
#KarnatakaPolitics #BJP #Congress #BYVijayendra #DKShivakumar— Diganta Guha (@diganta_guha) October 13, 2026
ધારાસભ્યોને પક્ષમાં સામેલ કરવામાં મોડું ન કરો
વિજયેન્દ્રના આ દાવા પર મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે કટાક્ષ કરતાં કહ્યું કે જો આ વાત ખરેખર સાચી હોય તો બી.વાય. વિજયેન્દ્રએ કોઈ પણ વિલંબ કર્યા વિના આ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી લેવા જોઈએ. મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે જો ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માગતી હોય, તો તેણે આ કામ કરવામાં મોડું કરવું જોઈએ નહીં.
કર્ણાટકનું રાજકારણ નીચલા સ્તરે પહોંચી ગયું છે
કોંગ્રેસની અંદર કથિત સ્ટિંગ ઓપરેશનને લઈને ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરતાં વિજયેન્દ્રએ કહ્યું હતું કે કર્ણાટકનું રાજકારણ ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયું છે. બી.વાય. વિજયેન્દ્રએ કોંગ્રેસ પર દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પોતાની નિષ્ફળતાઓની જવાબદારીમાંથી બચવા માટે કેન્દ્ર સરકાર પર આરોપો લગાવી રહી છે.




