નવી દિલ્હીઃ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ચુકવણી કરતા ગ્રાહકો અને વેપારીઓ માટે તેની સાથે જોડાયેલી ફીને લઈને એક મહત્ત્વપૂર્ણ સૂચન સામે આવ્યું છે. IIT બોમ્બેના એક રિપોર્ટમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને હાલમાં પ્રસ્તાવિત 0.40 ટકાથી ઘટાડીને 0.08 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને ચલાવવા અને વધુ સારી બનાવવા માટે બેંકોએ MDRમાંથી થતી આવક પર નિર્ભર રહેવાને બદલે તેમના ચાલુ અને બચત ખાતાઓમાંથી થતી કમાણીનો એક હિસ્સો ખર્ચવો જોઈએ. આ રિપોર્ટ IIT બોમ્બેના ગણિત વિભાગના પ્રોફેસર આશિષ દાસ અને RBIના ભૂતપૂર્વ અધિકારી પ્રજ્ઞા દાસે તૈયાર કર્યો છે. વાસ્તવમાં UPI સ્ટિયરિંગ કમિટીએ 15 સપ્ટેમ્બરે રૂ. 2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.40 ટકા MDR નક્કી કર્યો હતો. આ વ્યવસ્થા 15 ઓક્ટોબર, 2026થી લાગુ થવાની છે. જોકે વેપારી સંગઠનોએ સરકાર પાસે આ ચાર્જ પાછો ખેંચવાની માગ કરી છે.
UPI ચાર્જ અંગે રિપોર્ટમાં શું સૂચનો આપવામાં આવ્યાં છે?
રિપોર્ટમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના 0.08 ટકા MDRના પ્રસ્તાવમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમાં થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર્સ (TPAPs), જેમ કે ફોનપે અને ગૂગલ પે,ને 0.06 ટકા હિસ્સો આપવાનું સૂચન છે. જ્યારે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (PSPs), જેમાં મુખ્યત્વે બેંકોનો સમાવેશ થાય છે, તેમના માટે 0.02 ટકા હિસ્સો જાળવી રાખવાની વાત કહેવામાં આવી છે.
જોકે રિપોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે બેંકોએ MDRમાંથી મળતો પોતાનો હિસ્સો જતો કરવો જોઈએ. તેનું કારણ એ છે કે બેંકો ચાલુ અને બચત ખાતાંમાં જમા રકમ પર ઓછું વ્યાજ ચૂકવે છે અને આ તફાવતમાંથી સારી કમાણી કરે છે. આવાં ખાતાંઓને CASA ડિપોઝિટ કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં બેંકોએ CASA ડિપોઝિટમાંથી રૂ. 4.85 લાખ કરોડથી વધુનું ચોખ્ખું વ્યાજ માર્જિન મેળવ્યું હતું. રિપોર્ટમાં તેને પાયાની બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના બદલામાં મળતો મોટો અને પ્રમાણની દૃષ્ટિએ અસમાન લાભ ગણાવવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંકોએ CASA ખાતાધારકો પાસેથી મળતા વ્યાજ માર્જિનનો ઉપયોગ UPI વ્યવસ્થાને ચલાવવા અને વધુ સારી બનાવવા માટે કરવો જોઈએ. આ માટે બેંકોએ CASA ખાતાધારકોની જમા રકમ પર ઓછું વ્યાજ ચૂકવવાથી થતી કમાણીમાંથી આશરે 3 ટકા રકમ અલગ રાખવી જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું છે. તેનાથી અંદાજે રૂ. 15,000 કરોડ એકત્ર કરી શકાય છે.

બેંકો માટે UPI સેવા આપવી ફરજિયાત બનાવવાનું સૂચન
રિપોર્ટમાં RBI અને કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે કે બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટે બેંકોએ UPI જેવી ડિજિટલ પેમેન્ટ સેવા ઉપલબ્ધ કરાવવી જરૂરી બને.રિપોર્ટમાં તેની સરખામણી કોર બેંકિંગ સિસ્ટમ (CBS) સાથે કરવામાં આવી છે, જે હવે બેંકોની કામગીરીનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. આ ઉપરાંત, રિપોર્ટમાં ₹75,000 કે તેથી વધુની ઇલેક્ટ્રોનિક ચુકવણી પર ₹300 સુધીની ફીની મર્યાદા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આટલી ઊંચી મહત્તમ ફી નક્કી કરવી યોગ્ય છે કે નહીં, તે અંગે વિચારણા થવી જોઈએ. RBIના નિયમો અનુસાર, કોઈ સેવા માટે લેવામાં આવતો ચાર્જ તે સેવા પૂરી પાડવાના સરેરાશ ખર્ચને અનુરૂપ હોવો જોઈએ.
ઑનલાઇન ખરીદી પર ડિજિટલ પેમેન્ટ ફીનું સૂચન
રિપોર્ટમાં ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી માલસામાન અથવા સેવાઓ ખરીદતી વખતે કરવામાં આવતા ઑનલાઇન મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ‘ડિજિટલ પેમેન્ટ ફી’ શરૂ કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે ક્રેડિટ કાર્ડથી ચુકવણી પર લાગતા MDRને ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે.




