ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે. બીજી તરફ રાજ્યસભામાંથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું પત્તુ કપાયું છે.
ગુજરાતમાં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ
ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા હવે રાજ્યસભાના સાંસદ બનશે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ હવે રાજ્યસભામાં સાંસદ બનશે. ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞિકની ટર્મ પૂર્ણ થઈ છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. તેમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 24માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થશે. જો કે ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે.
કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા
ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં, ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી.
