‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, કઈ-કઈ બાબતો ગણાશે ગુનો ?

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુંં સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ પસાર કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું. જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છ માસથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે. આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદાના અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં તે 7મું રાજ્ય બન્યું. 

કેવાં પ્રકારની બાબતોનો ગુનાહીત કૃત્યમાં સમાવેશ?
શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદાની કલમ–2માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેવાં પ્રકારની બાબતોનો ગુનાહીત કૃત્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર.
  • ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારવાની ઘટના
  • મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વગેરે જેવી ઘટનાઓ
  • કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરીને દ્વારા પૈસા કમાવવા તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવાની ઘટનાઓ
  • દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીઝો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી
  • કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા
  • મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી
  • કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી.
  • પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.
  • અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.

સાત વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક લાવવા પાછળ ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય દ્રાવક ઘટનાઓ ગૃહ સમક્ષ રજૂ કરતા કહ્યુ હતું કે, ભારતમાં જ નહિ, દુનિયાના તમામ દેશોમાં કોઇને કોઇ સ્વરૂપે અંધશ્રધ્ધા જોવા મળે છે. આનાથી કોઇ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે.

  • બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાંખવામાં આવી.
  • ગીર સોમનાથ જિલ્લામાં પોતાની ૧૪ વર્ષની દીકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઉભી રાખી. બાદમાં દાજેલી દીકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભુખી બાંધી રાખી મોત નિપજાવવામાં આવ્યું.
  • અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી ૭૦ વર્ષીય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી.
  • સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દિકરીની જીંદગી બરબાદ કરી નાંખી.
  • આ ઉપરાંત ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપીયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે.