બિહારમાં બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન; પહેલા કરતા 3% વધુ

બિહાર:વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન થયું છે, જે પહેલા તબક્કા કરતાં 3 ટકા વધારે છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ,  અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન ચાલુ છે. કિશનગંજ, જમુઈ સહિત 5 જિલ્લામાં 6 બૂથ પર EVM ખરાબ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું, “જાણી જોઈને EVMમાં ખરાબીની વાત કહેવામાં આવી રહી છે, જેથી મતની ચોરી થઈ શકે.” 20 જિલ્લાના 45,399 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. જેમાં 4,109 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બૂથો પર સાંજે 4 થી 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે અન્ય બૂથો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામો 14 નવેમ્બરના રોજ આવશે.બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45,399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40,073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.