સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમઃ નિવૃત્ત બેન્કર સાથે રૂ. 23 કરોડની છેતરપિંડી

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ અરેસ્ટના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થતો હોવા છતાં હજુ પણ ઘણા લોકો તેની જાળમાં ફસાઈ જાય છે. હવે દિલ્હીની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે. એક વ્યક્તિ સાથે 22.92 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સાત સ્તરોમાં 4236 લેવડદેવડ કરવામાં આવી હતી.

આ વાત છે 78 વર્ષના નિવૃત્ત બેંકર નરેશ મલ્હોત્રાની. નરેશ મલ્હોત્રા આ છ અઠવાડિયા દરમિયાન ત્રણ બેંકોમાં ગયા હતા. તેમની તરફથી 22.92 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા અને પછી એ જ પૈસા 21 લેવડદેવડ દ્વારા 16 અલગ-અલગ બેંકોમાં જમા થઈ ગયા.

નરેશ મલ્હોત્રા ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ચૂક્યા હતા. હાલત એવી હતી કે તેમને પોતાના દરેક ખર્ચા માટે છેતરપિંડી કરનારાઓની પરવાનગી લેવી પડતી હતી. આ છેતરબાજો ED અને મુંબઈ પોલીસના અધિકારી કહી રહ્યા હતા. એ પછી નરેશ મલ્હોત્રાને લાગ્યું કે હવે ફરિયાદ તો કરવી જ પડશે, કારણ કે તેઓ પોતાની મહેનતની કમાણીમાંથી 22.92 કરોડ રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. તેથી 19 સપ્ટેમ્બરે તેમણે FIR નોંધાવી અને પછી શરૂ થયો ચોરાયેલા પૈસા અને ગુનેગારોને પકડવાનો પ્રયાસ.

આ મામલે ઈન્ટેલિજન્સ ફ્યુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સના સંયુક્ત પોલીસ કમિશનર રજનીશ ગુપ્તા કહે છે કે અમે આ પહેલાં પણ મોટા પાયે પૈસાની લેવડદેવડ જોઈ છે. પરંતુ સમજવાની વાત એ છે કે આવા કેસોમાં જો તરત ફરિયાદ નોંધાય તો જ કંઈ થઈ શકે. નહીં તો આરોપીઓને પકડવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

નરેશ મલ્હોત્રાએ 4 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ બેંકોમાં કુલ 21 વાર મુલાકાત લીધી. તેમની તરફથી 21 RTGS ટ્રાન્સફર કરવામાં આવ્યા. બધા પૈસા 16 બેંક ખાતાઓમાં પહોંચ્યા અને કુલ રકમ 22.92 કરોડ સુધી પહોંચી. જે બેંકોમાં આ રકમ જમા થઈ, તેમાં YES બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, યુનિયન બેંક અને એક્સિસ બેંક સામેલ હતા. ખાસ વાત એ રહી કે બધા બેંક ખાતા દેશનાં અલગ-અલગ રાજ્યોમાં હતા. ભલે તે ઉત્તરાખંડ હોય, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ કે તામિલનાડુ. પરંતુ કોઈ પણ બેંક ખાતું નવી દિલ્હીમાં ન હતું. સંયુક્ત કમિશનરના જણાવ્યા મુજબ અત્યાર સુધી ફક્ત 2.67 કરોડ રૂપિયા જ ફ્રીઝ કરી શક્યા છે.