લંડનઃ લંડનની એક કોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો કાનૂની આંચકો આપતાં બેંક ઓફ ઇન્ડિયાના બાકી રહેલાં દેવાંની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. 2019થી બ્રિટનની જેલમાં બંધ નીરવ મોદીને 10.7 મિલિયન ડૉલર (રૂ. 100 કરોડથી વધુ) ચૂકવવા પડશે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે દુબઈ સ્થિત ફાયરસ્ટાર ગ્રુપની કંપનીને આપવામાં આવેલી લોન માટે નીરવ મોદીએ વ્યક્તિગત ગેરંટી આપી હતી, તેથી તે આ દેવાં માટે વ્યક્તિગત રીતે જવાબદાર છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે ચુકાદામાં બેંક ઓફ ઇન્ડિયાના પક્ષમાં નિર્ણય આપ્યો અને કહ્યું હતું કે ગેરંટીની શરતો મુજબ નીરવ મોદી બાકી રકમ ચૂકવવા કાયદેસર રીતે જવાબદાર છે. કોર્ટે જણાવ્યું છે કે મોદી પર મૂળ બાકી રકમ તરીકે લગભગ 4.1 મિલિયન ડોલર (અંદાજે રૂ. 38.9 કરોડ) તથા બેંકના દાવા મુજબ ગણવામાં આવેલા વ્યાજ સહિત કુલ બાકી લેણાં 10.7 મિલિયન ડોલરથી વધુ થાય છે.
શું છે મામલો?
આ વિવાદ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2012માં ફાયરસ્ટાર ડાયમંડ FZEને આપવામાં આવેલી લોન સાથે સંબંધિત છે, જે પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ બહાર આવતાં ઘણાં વર્ષો પહેલાં આપવામાં આવી હતી.3 ઓગસ્ટ, 2012એ નીરવ મોદીએ બેંક ઓફ ઇન્ડિયાના હિતમાં વ્યક્તિગત ગેરંટી આપી હતી. ગેરંટીની શરતો અનુસાર જો લોન લેનારી કંપની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો લોન ચૂકવવાની વ્યક્તિગત જવાબદારી તેમણે સ્વીકારી હતી. કોર્ટના દસ્તાવેજો મુજબ 2018ની શરૂઆતમાં કથિત બેંકિંગ કૌભાંડની તપાસ સામે આવ્યા બાદ ફાયરસ્ટાર ગ્રુપની નાણાકીય સ્થિતિ ગંભીર રીતે બગડી ગઈ હતી.

બેંકે અલગથી શરૂ કરી વસૂલાતની કાર્યવાહી
ફાયરસ્ટાર ડાયમંડ FZE દ્વારા લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થતાં બેંક ઓફ ઇન્ડિયાએ નીરવ મોદી સામે વ્યક્તિગત ગેરંટીને આધારે સ્વતંત્ર વસૂલાત કાર્યવાહી શરૂ કરી હતી. બેંકે બાકી રકમની વસૂલાત માટે ડિમાન્ડ નોટિસો પણ મોકલી હતી. બેંકના જણાવ્યા મુજબ વારંવાર માગ છતાં કોઈ ચુકવણી કરવામાં આવી નહોતી.
નીરવ મોદીની દલીલો ફગાવી
મોદીએ વધુમાં કહ્યું હતું કે એપ્રિલ, 2018 અને ઓક્ટોબર, 2025માં બેંક દ્વારા મોકલાયેલી નોટિસો તેમને ક્યારેય મળ્યા નહોતા, કારણ કે તે સમયે તેઓ ભારતમાં હાજર નહોતા. જોકે કોર્ટે તેમના જ ઈ-મેઈલ અને અન્ય પુરાવાઓને આધારે આ દલીલોને સ્વીકારી નહોતી અને બેંક ઓફ ઇન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.






