બેંકોમાં પડી છે રૂ. 67,000 કરોડથી વધુની દાવાની વગરની રકમ

નવી દિલ્હીઃ સરકારી અને ખાનગી બેંકોમાં કુલ રૂ. 67,004 કરોડની દાવા વગરની (અનક્લેમ્ડ) ડિપોઝિટ્સ  પડી છે, જેને અત્યાર સુધી કોઈ ગ્રાહકે, નોમિનીએ કે કાનૂની વારસદારે ક્લેમ નથી કરી. માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં રૂ. 19,329.92 કરોડની અનક્લેમ્ડ રકમ છે, જે ઘણાં વર્ષોથી જમા બાદ પણ નથી ઉપાડવામાં આવી. ત્યાર બાદ પંજાબ નેશનલ બેંક (રૂ. 6910.67 કરોડ) અને કેનરા બેંક (રૂ. 6278.14 કરોડ)નું નામ આવે છે, એમ કેન્દ્ર સરકારે જાણકારી આપી છે.

ICICI અને HDFC સૌથી આગળ

ખાનગી બેંકોમાં ICICI બેંક પાસે રૂ. 2063.45 કરોડ અને HDFC બેંક પાસે રૂ. 1609.56 કરોડની અનક્લેમ્ડ રકમ છે. કુલ મળીને ખાનગી બેંકોમાં રૂ. 8673.72 કરોડ ક્લેમ વિના પડ્યા છે.

10 વર્ષથી નિષ્ક્રિય ખાતાઓ DEA ફંડમાં ટ્રાન્સફર થાય છે

જે સેવિંગ્સ કે કરંટ ખાતાઓમાં 10 વર્ષ સુધી કોઈ લેવડદેવડ ન થાય અથવા ફિક્સ ડિપોઝિટની મેચ્યોરિટી પછી પણ 10 વર્ષ સુધી ક્લેમ ન થાય, તો એ રકમ Depositor Education and Awareness Fund (DEA Fund)માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જેને RBI સંચાલિત કરે છે.

NBFC પર લાગુ પડતું નથી આ નિયમ

બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs) માટે આ નિયમ લાગુ પડતો નથી. તેમને પોતાની અનક્લેમ્ડ રકમ DEA ફંડમાં ટ્રાન્સફર કરવાની ફરજ નથી.

UDGAM પોર્ટલથી શોધી શકો છો તમારાં પૈસા

RBIએ “UDGAM” નામનું એક પોર્ટલ શરૂ કર્યું છે, જેના માધ્યમથી લોકો પોતાને નામે તમામ બેંકોમાં પડેલી અનક્લેમ્ડ રકમ શોધી શકે છે. 1 જુલાઈ 2025 સુધીમાં 8.6 લાખથી વધુ લોકો આ પોર્ટલનો ઉપયોગ કરી ચૂક્યા છે.

સરકાર આ પૈસાનું શું કરે છે?

આ રકમનો ઉપયોગ RBI દ્વારા ડિપોઝિટર્સનાં હિતોની રક્ષા અને લોકોને જાગ્રત કરવા જેવાં કામોમાં થાય છે. આ માટે એક કમિટી હોય છે જે નક્કી કરે છે કે આ પૈસાનો ઉપયોગ કયા અને કેવી રીતે કરવો.