આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ VIP કલ્ચર પર કાર્યવાહી કરતા આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે જુલાઇથી તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અધિકારીઓએ પોતાનું વીજળીનું બિલ જાતે જ ભરવાનું રહેશે. આ નિર્ણયનો હેતુ વીઆઈપી કલ્ચરને ખતમ કરવાનો છે.
સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ વિશે લખતા હિમંતાએ કહ્યું કે અમે કરદાતાઓના પૈસાથી સરકારી અધિકારીઓના વીજળીના બિલ ભરવાના VIP કલ્ચરના નિયમને ખતમ કરી રહ્યા છીએ. હું અને મુખ્ય સચિવ 1 જુલાઈથી અમારા વીજળીના બિલની ચૂકવણી કરીને અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરીશું. 1 જુલાઈ, 2024થી તમામ સરકારી કર્મચારીઓએ તેમના ઘરના વીજ બિલો જાતે ભરવાના રહેશે.
સરમાએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય પ્રતિ યુનિટ રૂ. 1 કરતા ઓછા દરે વીજળી પૂરી પાડવાનો છે, જેનાથી રાજ્યમાં ઓછી આવક ધરાવતા લોકોને ફાયદો થાય. સરકાર આવતા વર્ષે એપ્રિલ સુધીમાં તેને 1 રૂપિયા પ્રતિ યુનિટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
તેમણે એ પણ માહિતી આપી હતી કે રાજ્યમાં વીજળી બચાવવાના અભિયાનના ભાગરૂપે, આસામ સરકારે તમામ સરકારી કચેરીઓમાં રાત્રે 8 વાગ્યા પછી વીજળીનું ઓટો-ડિસ્કનેક્શન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યભરની 8,000 સરકારી કચેરીઓ અને શાળાઓમાં પહેલેથી જ અમલમાં છે.