અરવિંદ કેજરીવાલની જામીન અરજી દિલ્હી કોર્ટે ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. તેણે દારૂ પોલીસી કેસમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ સાથે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી છે. સીએમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કેજરીવાલ 21 દિવસ માટે બહાર આવ્યા

21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રીએ આ ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 10 મેના રોજ, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. કોર્ટે એવી શરત પણ લગાવી છે કે તે સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ સરકારી ફાઈલો પર સહી નહીં કરે. જો જરૂરી હોય તો તેણે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડશે. વચગાળાના જામીન દરમિયાન જ, તબિયતને ટાંકીને સીએમ કેજરીવાલે વચગાળાના જામીનનો સમયગાળો વધારવાની અપીલ કરી હતી. આ માટે તેણે બાદમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ અરજી કરી હતી. સુનાવણી દરમિયાન EDએ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. હવે કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.