નવી દિલ્હી: રિલાયન્સ (ADAG) ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનાં અલગ-અલગ સ્થાનો પર CBIની ટીમે દરોડા પાડ્યા છે. CBIની આ કાર્યવાહી બેંક ફ્રોડ કેસને લઈને છે. SBIમાંથી 2000 કરોડ રૂપિયાના ફ્રોડનો કેસ નોંધાયો છે. 13 જૂન, 2025એ SBIએ આ અકાઉન્ટને ફ્રોડ તરીકે જાહેર કર્યું હતું. ત્યાર બાદ SBIએ 24 જૂને તેની જાણકારી RBIને આપી હતી. હજી થોડા દિવસ પહેલાં જ EDની ટીમે પણ અનિલ અંબાણી સાથે જોડાયેલાં સ્થાનો પર દરોડા પાડ્યા હતા. CBIની ટીમ અનિલ અંબાણીનાં સ્થાનો પર સવારે સાત વાગ્યે પહોંચી હતી. આ દરોડા મારવાની કાર્યવાહી છ અલગ-અલગ સ્થળોએ ચાલી રહી છે.
CBI પહેલાં EDએ પણ અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી. બેંક ફ્રોડ મામલામાં EDએ થોડા દિવસ પહેલાં જ અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એ દરમિયાન EDએ નવી દિલ્હીમાં તેની ઓફિસમાં 17,000 કરોડ રૂપિયાના બેંક લોન કૌભાંડને લઈને કલાકો સુધી અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં ED તરફથી અનિલ અંબાણીને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેમાં શું લોન શેલ કંપનીઓને મોકલવામાં આવી હતી? શું પૈસા રાજકીય પક્ષોને આપ્યા હતા? અને શું તમે કોઈ અધિકારીને લાંચ આપી હતી? જેવા સવાલો સામેલ હતા.
CBI searching premises linked to RCOM and Anil Ambani in bank fraud case; FIR registered: Officials
— Press Trust of India (@PTI_News) August 23, 2025
અનિલ અંબાણીને એક અઠવાડિયા પછી ફરી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.EDએ અનિલ અંબાણી સાથે જોડાયેલાં અલગ-અલગ સ્થાનો પર દરોડા માર્યા હતા. આ દરોડા દિલ્હી અને મુંબઈમાં કરવામાં આવ્યા હતા. EDએ આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની તપાસને લઈને કરી હતી. EDની પ્રાથમિક તપાસમાં બેંકો, શેરહોલ્ડરો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને છેતરપિંડી કરીને જનતા ના પૈસાની હેરાફેરી કરવાની એક સુનિયોજિત અને વિચારેલી યોજનાનો ખુલાસો થયો હતો. ED દ્વારા 50 કંપનીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 25 લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
વર્ષ 2017 અને 2019ની વચ્ચે, યસ બેંકે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને આશરે 3000 કરોડ રૂપિયાનો લોન આપી હતી. EDનો દાવો હતો કે તેણે એક ગેરકાયદે ટ્રાન્ઝેક્શન વ્યવસ્થા પકડી છે, જેમાં યસ બેંકના પ્રમોટરોએ લોન મંજૂર થાય એ પહેલાં જ પોતાની ખાનગી કંપનીઓમાંથી પેમેન્ટ લીધું હતું.
