નવી દિલ્હીઃ EDએ અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલા 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડી મામલે મોટું પગલું લીધું છે. તપાસ એજન્સીએ 12થી 13 બેંકોના મેનેજમેન્ટને પત્ર લખીને અનિલ અંબાણીના જૂથને અપાયેલી લોનની સંપૂર્ણ માહિતી માગી છે. આ લોન બાદમાં NPA બની ગઈ હતી.
જો બેંકોના જવાબ સંતોષકારક નહીં હોય તો બેંકરોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. EDએ અનિલ અંબાણી સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યો છે અને તેમને પાંચ ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપ્યો છે. આ મામલો રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સને આપવામાં આવેલી લોનોથી જોડાયેલો છે.
બેંકો પાસેથી માગવામાં આવી માહિતી
EDએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક જેવી બેંકો પાસેથી લોન મંજૂરી પ્રક્રિયા, ડિફોલ્ટની સમયરેખા અને વસૂલાત માટે લીધેલા પગલાંની વિગતો માગી છે.
આ ઉપરાંત EDએ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સાથે જોડાયેલી 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગ રોકથામ કાયદા (PMLA) હેઠળ મુંબઈમાં 35 સ્થળે દરોડા પાડ્યા હતા.
આ તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલ અંબાણીની કંપનીઓએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) ને રૂ. 68.2 કરોડની નકલી બેંક ગેરંટી આપી હતી. આ ગેરંટી રિલાયન્સ NUBESS લિ. અને મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિ.ને નામે આપવામાં આવી હતી, જે અનિલ અંબાણીના ADAG જૂથ સાથે જોડાયેલી છે.
EDનો દાવો છે કે ખોટી ગેરંટીને સાચી દર્શાવવાની કોશિશમાં “s-bi.co.in” નામનો નકલી ઇમેઇલ ડોમેન વપરાયો હતો, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અસલ ડોમેન “sbi.co.in” સાથે મળતો આવે છે.
