જામનગર: વિશ્વપ્રસિદ્ધ રિલાયન્સ રિફાઈનરીની ટાઉનશીપથી દ્વારકાધીશના ચરણે માથું ટેકવવા નીકળેલા અનંત અંબાણી આવતીકાલે તિથિ લેખે રામનવમીના રોજ દ્વારકા મંદિરે પહોંચતા પદયાત્રા પૂર્ણ થશે. ‘વનતારા’નાં પ્રણેતા અને રિલાયન્સના ડાયરેકટર અનંત અંબાણી છેલ્લા 9 દિવસથી દ્વારકાની પદયાત્રાએ છે.આજે નવમા દિને બ્રહ્મમુર્હુતમાં પદયાત્રા આરંભ થઇ હતી. અનંત અંબાણી નવમા દિનની પદયાત્રામાં સુંદરકાંડનાં સંગીતમય પઠન માટે પ્રસિદ્ધ પંડિત રસરાજ મહારાજ સહિતનાં અગ્રણીઓ જોડાયા હતાં. આ અગાઉ બાગેશ્વરધામના પ્રખ્યાત સંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી પણ આ પદયાત્રામાં ખુલ્લા પગે જોડાયા હતા.
પરોઢિયે ઝાકળને કારણે હિલ સ્ટેશન જેવાં આહ્લાદક વાતાવરણમાં પદયાત્રાનાં મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીએ ૯ દિનની પદયાત્રામાં 91 કિ.મી.નું અંતર કાપી લીધુ છે. હવે તેઓ દ્વારકાના વિખ્યાત જગતમંદિરથી માત્ર 9.5 કિ.મી. દૂર છે.આ યાત્રા દરમ્યાન ઝેડ પ્લસ સિક્યોરીટી તથા પોલીસ અને કંપનીના કર્મચારીઓ સાથે નીકળેલા અનંત અંબાણી ખૂબ જ આનંદપૂર્વક રોજ પદયાત્રા કરે છે તથા રસ્તામાં આવતા મંદિરોમાં પણ દર્શને જાય છે. રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા જવા નીકળેલા અનંત અંબાણી રોજ 10-11 કિલોમીટરનું અંતર કાપીને પરત ટાઉનશીપ જાય છે અને બીજે દિવસે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી પુન: શરૂ કરે છે. રિલાયન્સના સુરક્ષાકર્મીઓ, સ્વયંસેવકો, આગેવાનો તથા પોલીસ સુરક્ષાકર્મીઓ સાથે મોટે મોટેથી હનુમાન ચાલીસા, ધૂન ભજન બોલતા બોલતા અનંત અંબાણી પદયાત્રામાં ચાલે છે.
આ યાત્રા દરમિયાન અનેક લોકો, કોઈ ભગવાનની છબી, તો કોઈ અનંત અંબાણીની તસવીર, કોઈ દ્વારકાધીશના ઉપરણા જેવી વિવિધ વસ્તુઓથી સ્વાગત-સન્માન કરે છે. ઝેડ પ્લસ સિક્યોરિટીથી ઘેરાયેલા હોવા છતાં, અનંત સૌ કોઈને હસીને મળે છે. કોઈને દૂરથી પ્રણામ તો કોઈને ગળે મળે છે. ગ્રામ્યવિસ્તારના લોકો હોંશે હોંશે એમને નાની મોટી ભેટ પણ આપે છે. નાનકડા બાળકો સાથે કે એમના ચાહકો સાથે રાજીખુશીથી સેલ્ફી કે ફોટો પણ ખેંચાવે છે. એમની સાલસતા, વિનમ્રતાથી લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે.
આવતીકાલે તિથી અનુસાર રામનવમી પર અનંત અંબાણી નો જન્મદિન છે અને તેઓ આવતીકાલે સવારે જગતમંદિરે ભગવાનશ્રી દ્વારકાધીશની મંગળા આરતીનાં દર્શન કરી યાત્રા પૂર્ણ કરવાનાં છે. જેને પગલે દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક – સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન થયા છે.
પદયાત્રામાં મીડિયાની સમક્ષ બોલતા અનંત અંબાણીએ તેઓ ભગવાન શ્રીજીબાવા તથા દ્વારકાધીશે શક્તિ આપતા પ્રથમ વખત પગપાળા દ્વારકા જઈ રહ્યાનું જણાવીને બધાના માલિક તથા રાજા શ્રીજીબાવા તથા દ્વારકાધીશ હોવાનું જણાવીને બધાનું ભગવાન સારૂ કરે તેવી પ્રાર્થના-શુભેચ્છા વ્યક્ત કરી હતી. યુવાનોને ખાસ સંદેશ આપતા તેમણે જણાવેલ કે યુવાનોએ સનાતન ધર્મ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. યુવાનો ચિંતા કરવાની જરૂર નથી, શ્રીજીબાવા તથા દ્વારકાધીશના આશીર્વાદ લઈને આગળ વધો તેમ જણાવ્યું હતું.રસ્તામાં ખંભાળિયા પાસેથી પદયાત્રામાં જતા અનંત અંબાણીના ધ્યાને હોટલોમાં ખોરાક માટે જતા મરઘા-કૂકડાનો મોટો ટેમ્પો દેખાતા તમામ મરઘા પૈસા આપીને કતલમાં લઈ જતા બચાવીને તેમને વનતારામાં મોકલવાનું જીવદયાનું કાર્ય કર્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
(પાર્થ સુખપરિયા – જામનગર)
