કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ આજે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે, જે અંતર્ગત સરકાર નેનો-ફર્ટિલાઇઝર્સ પર સબસિડી આપશે. આ સાથે નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે. સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે સાંજે 5 વાગ્યે ગોધરાના મહુલિયા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે. જ્યારે 7 જુલાઈના રોજ સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે અને સવારે 10:30 કલાકે નારણપુરા ખાતે SLiMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સવારે 11 કલાકે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.