રશિયા સાથે પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે અમેરિકાઃ ટ્રમ્પ

વોશિંગટનઃ મોસ્કો સાથેના તણાવભર્યા સંબંધોની વચ્ચે ષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યું નિવેદન કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા રશિયા સાથેના પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે તેમણે સાથે જ એમ પણ ઉમેર્યું હતું કે મને નથી લાગતું કે આવી સ્થિતિમાં કોઈ જીતી શકે છે.

ટ્રમ્પે આ નિવેદન ત્યારે આપ્યું, ત્યારે તેમણે રશિયા નજીક અમેરિકાની પરમાણુ સબમરીનો તહેનાત કરી હતી. ટ્રમ્પના આ પગલા બાદ રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ તણાવભર્યા થવાની આશંકા છે. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેડવેડેવના ખૂબ જ ઉશ્કેરણીજનક નિવેદનોને આધારે તેમણે યોગ્ય વિસ્તારોમાં બે પરમાણુ સબમરીનો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ નિવેદનો ખૂબ મહત્વનાં હોય છે અને ક્યારેક તે અનિચ્છનીય પરિણામોની દિશામાં લઈ જાય છે, મને આશા છે કે મેડવેડેવનાં નિવેદનો એવી સ્થિતિ ઊભી નહીં કરે.

ટ્રમ્પે ગુરુવારે એક પોસ્ટમાં મેડવેડેવને રશિયાના નિષ્ફળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કહ્યું હતું. થોડા કલાકો બાદ મેડવેડેવે જવાબ આપતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે રશિયા દરેક મામલામાં સાચા છે અને પોતાના માર્ગે આગળ વધતું રહેશે. ટ્રમ્પ અને મેડવેડેવ વચ્ચેની આ બોલચાલ આ અઠવાડિયે શરૂ થઈ હતી, જ્યારે મેડવેડેવે પહેલાં લખ્યું હતું કે ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમની રમત રમે છે. તેમણે બે વાતો યાદ રાખવી જોઈએ. પ્રથમ,  રશિયા ઈઝરાયેલ કે ઈરાન નથી. બીજું,  દરેક નવું અલ્ટિમેટમ એ ખતરો છે અને યુદ્ધ તરફ લઈ જતું પગલું છે – રશિયા અને યુક્રેન વચ્ચે નહીં, પણ તેમના પોતાના દેશ (અમેરિકા) સાથે.”

આ પહેલાં પણ ટ્રમ્પ રશિયા સામે લડાઈ માટે તૈયાર હોવાની વાત કરી ચૂક્યા છે. શુક્રવારે જ્યારે તેઓ વ્હાઈટ હાઉસથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે પત્રકારોએ જ્યારે પૂછ્યું કે સબમરીનોનું સ્થાન ક્યાં બદલાયું છે, તો તેમણે કોઈ વિગત આપી નહિ.