અમેરિકાએ સિરિયામાં ISISનાં સ્થાનો પર કર્યો ભીષણ બોમ્બમારો

વોશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના બે સૈનિકોના મોતનો બદલો લેવા માટે સિરિયામાં ‘ઓપરેશન હોકઆઈ’ (Operation Hawkeye) શરૂ કર્યું છે. શુક્રવારે અમેરિકન લડાકુ વિમાનો દ્વારા સિરિયામાં સક્રિય આતંકી સંગઠન ISISના અનેક સ્થાનોઓ પર ભારે હુમલા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 13 ડિસેમ્બરે થયેલા તે હુમલાના જવાબમાં કરવામાં આવી છે, જેમાં બે અમેરિકન સૈનિકો અને એકનાં મોત થયાં હતાં.

ઓપરેશન હોકઆઈ શું છે?

અમેરિકન સેનાએ સિરિયા સામે કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીને ‘ઓપરેશન હોકઆઈ’ નામ આપ્યું છે. આ નામ શહીદ થયેલા બે સૈનિકોના વતન રાજ્ય આયોવાના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેને ‘હોકઆઈ સ્ટેટ’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન અધિકારીઓના  જણાવ્યાનુસાર આ હુમલાઓમાં ISIS સાથે જોડાયેલાં માળખાં, હથિયારોના સંગ્રહ કેન્દ્રો અને ગુપ્ત સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તાજેતરમાં હાથ ધરાયેલા 10 અલગ-અલગ અભિયાનો દરમિયાન જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળેલી ગુપ્તચર માહિતીને આધારે આ સ્થાનોની ઓળખ કરવામાં આવી હતી.

આ ઓપરેશનમાં અમેરિકા સાથે જોર્ડન જેવા દેશોએ પણ ભાગ લીધો હતો. 13 ડિસેમ્બરના હુમલા બાદ અત્યાર સુધી અમેરિકા અને તેના સહયોગી દળોએ સિરિયામાં કુલ 10 મોટાં ઓપરેશન કર્યાં છે. આ ઓપરેશનોમાં લગભગ 23 આતંકીઓ માર્યા ગયા છે અથવા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સિરિયામાં બચેલા ISISનાં તત્વોને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ બદલો લેવાની જાહેરાત છે

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ કોઈ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલો લેવાની જાહેરાત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે ક્યારેય અચકાતું નથી અને ન તો ક્યારેય પાછળ હટશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકન સૈનિકો પર થનારા કોઈપણ હુમલાને અમેરિકા સહન નહીં કરે અને તેનું પરિણામ પણ એટલું જ ભયંકર હશે.