વીજ પડતાં પહેલાં મળશે એલર્ટઃ ઇસરોએ શોધી ટેક્નોલોજી

નવી દિલ્હીઃ દેશભરમાં દર વર્ષે અનેક વખત વીજળી પડવાને કારણે ઘણા લોકોનાં મોત થતાં હોય છે. વીજળી પડવાને કારણે જાનમાલને પણ ઘણું નુકસાન થતું હોય છે, ત્યારે આ સમસ્યા નિવારવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISROએ) એક મહત્ત્વની ટેકનોલોજી શોધી કાઢી છે. ચોમાસામાં વીજળી ક્યાં પડશે, તેની માહિતી પહેલેથી જ મળી જશે. ઈસરોની નવી ટેકનોલોજી મુજબ હવે વીજળી પડે તે પહેલાં જ એલર્ટ મળી જશે.

ઈસરોએ વીજળીની આગાહી કરવાની ક્ષમતા મેળવી લીધી છે. ઈસરોની આ સફળતાએ વિશ્વભરને ચોંકાવી દીધા છે. ઈસરોએ કહ્યું હતું કે ભારતીય જિયોસ્ટેશનરી સેટેલાઇટમાંથી ડેટા એકત્ર કરીને વીજળીની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા હાંસલ કરવામાં આવી છે.

નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વિજ્ઞાનીઓને INSAT-3D સેટેલાઈટથી પ્રાપ્ત થયેલા ‘આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR)’માંથી ખાસ પ્રકારના સંકેત જોવા મળ્યા છે. સંકેત મુજબ વિજ્ઞાનીઓને ઓએલઆરની ગતિમાં ઘટાડો થવાને કારણે વીજળી પડવાની સંભાવના જોવા મળી છે. આ નવી ટેકનોલોજીના કારણે અઢી કલાક પહેલાં વીજળીની આગાહી થઈ શકે છે. ઈસરોની આ ટેક્નોલોજીથી દેશભરના લોકો તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી નીવડશે. ઈસરોની નવી ટેક્નોલોજી મુજબ જ્યાં વીજળી પડવાની સંભાવના હશે, ત્યાંથી લોકોને હટાવી શકાશે. તેનાથી જાનમાલને ઓછું નુકસાન થશે.