નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના CM મોહન યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે છાણ વિવાદને લઈને આમનેસામને આવી ગયા છે. તાજેતરમાં SP પ્રમુખ અખિલેશ યાદવે કન્નોજમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ગૌશાળામાં દુર્ગંધ આવે છે, જેના જવાબમાં મોહન યાદવે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું.
મોહન યાદવે કહ્યું હતું કે દેશમાં રહેતી જે કોઈ પણ વ્યક્તિ ગૌશાળામાં દુર્ગંધ કહીને ટિપ્પણી કરે છે, તેને દેશમાં રહેવાનો અધિકાર નથી. અખિલેશ યાદવએ કન્નૌજમાં કહ્યું હતું કે તેઓ (ભાજપ) દુર્ગંધ પસંદ કરે છે, તેથી ગૌશાળા બનાવી રહ્યા છે. અમે સુગંધ પસંદ કરીએ છીએ, એટલે અમે અતર પાર્ક બનાવી રહ્યા હતા.
મોહન યાદવે ઈંદોરમાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં જ્યાં ગોપાલન સાથે સંકળાયેલા પરિવારની વ્યક્તિ એવી ટિપ્પણી કરે છે, તે શરમજનક છે. તેમણે એ પણ દાવો કર્યો કે ગાયના છાણથી આયુર્વેદિક ઔષધિઓ બની રહી છે અને તે કેન્સરને પણ હરાવી શકે છે. ઘણા લોકો હવે પોતાના બાળકોના જન્મદિવસ ગૌશાળામાં ઊજવે છે, કારણ કે ગૌશાળા એ શ્રેષ્ઠ સ્થાન છે.
તેમણે ગાયના છાણને “જીવનરૂપ અમૃત” ગણાવતાં કહ્યું હતું કે તેમાંથી બનેલી ખાતરથી ઊપજ સારી થાય છે. SP પ્રમુખે કનોજમાં ગાયના છાણને લઈને ટિપ્પણી કરી હતી.
