આઝમ ખાન જેલમાંથી બહાર આવતાં અખિલેશ કહ્યું, આ બધા માટે ખુશીનો દિવસ

સીતાપુર: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાનની સીતાપુર જેલમાંથી બહાર આવી ગયા છે. જેલમાંથી બહાર આવતા જ સપા સમર્થકો અને તેમના પુત્ર અદીબે તેમનું સ્વાગત કર્યું. આઝમ ખાન જ્યારે કાળાં ચશ્માં અને સફેદ કુર્તા પહેરી સીતાપુર જેલમાંથી બહાર આવ્યા ત્યારે સમર્થકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. આઝમ ખાનને કુલ 72 કેસોમાં જામીન મળી ચૂક્યા છે, જેમાં તાજેતરનો ક્વોલિટી બાર જમીન કબજા કેસ પણ સામેલ છે. તેઓ ઓક્ટોબર 2023થી સીતાપુર જેલમાં બંધ હતા.

અખિલેશ યાદવનું નિવેદન

સમાજવાદી પાર્ટીના મુખ્ય અખિલેશ યાદવે જણાવ્યું હતું કે આઝમ ખાનને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા. આજે આઝમ ખાન જેલમાંથી મુક્ત થયા છે, આજે અમારા બધા માટે ખુશીનો દિવસ છે. અમને આશા છે કે આવતા સમયમાં બધા કેસ સમાપ્ત થશે. અન્ય સમાજવાદી પાર્ટીના નેતાઓ પર લગાવાયેલા ખોટા કેસો પણ સમાપ્ત થશે. અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, દરેક ખોટા કેસ સપા સરકારમાં પાછા લઈશું.

જેલની બહાર ઉમટ્યા સમર્થકો, ટ્રાફિક જામ

ઘણા કેસોનો સામનો કરી રહેલા આઝમ ખાન લગભગ બે વર્ષની સજા બાદ જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. જિલ્લા પ્રશાસને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીતાપુરમાં ભારતીય ન્યાય સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધિત લાગુ કરી હતી, છતાં મોટી સંખ્યામાં સમર્થકો પોતાના વાહનો સાથે જેલ પાસે પહોંચ્યા. જેને કારણે ટ્રાફિક જામ થયો. ટ્રાફિક પોલીસે પ્રતિબંધનો ભંગ કરીને ભેગા થયેલા અનેક વાહનોના ચલણ કાપ્યાં હતાં.

નગર વિસ્તારમાંના પોલીસ ક્ષેત્રાધિકારી (સી.ઓ.) વિનાયક ભોસલેએ જણાવ્યું: કલમ 163 લાગુ હોવા છતાં અફરાતફરી અને ભીડ થઈ હતી. વાહનોને જેલની પાસે આવવાની મંજૂરી ન હતી, છતાં તેઓ પહોંચી ગયા. આગળની જટિલતાઓથી બચવા માટે કાર્યવાહી કરવી પડી હતી.