અમદાવાદ: સાઉદી અરેબિયાથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘બોમ્બ’ લખેલું ટિશ્યૂ પેપર મળતી આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે.
ફ્લાઈટમાં ધમકીની જાણ થતાં જ એરપોર્ટ પ્રશાસન અને સિક્યુરિટી એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તેને આઈસોલેશન બે પર ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ પ્રોટોકોલ મુજબ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સ્પેશિયલ બસ મારફતે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફાયર વિભાગની 3 ગાડી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને ફાયર વિભાગના અધિકારીઓએ ફ્લાઈટ, મુસાફરોના સામાન અને કાર્ગો એરિયાની સઘન તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ બાદ ફ્લાઈટમાંથી કોઈ જ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. આ ધમકી ક્યાંથી અને કયા કારણોસર આપવામાં આવી હતી તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાયબર સેલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




