અમદાવાદ: લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)ને ‘સિટી બ્યૂટી કોમ્પિટિશન’ અંતર્ગત “ગ્રીન સ્પેસ” કેટેગરીમાં પ્રથમ ક્રમ એનાયત કરવામાં આવ્યો છે. ટોરેન્ટ ગ્રૂપની CSR શાખા એવા UNM ફાઉન્ડેશનની “પ્રતિતિ” પહેલ હેઠળ આ બાગ સંચાલિત છે. એવોર્ડની જાહેરાત પાંચ કેટેગરીમાં કરવામાં આવી હતી. હેરિટેજ કેટેગરી, ગ્રીન સ્પેસ કેટેગરી, કોમર્શિયલ કેટેગરી, વોટરફ્રન્ટ કેટેગરી અને વોર્ડ કેટેગરી. દરેક કેટેગરીમાં ત્રણ પુરસ્કાર આપવામાં આવ્યા છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અગ્ર સચિવ અશ્વિની કુમારની અધ્યક્ષતામાં 11 માર્ચે ગાંધીનગર ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારસને લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન) માટે એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 144 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) તરફથી કુલ 252 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
‘સીટી બ્યૂટી કોમ્પિટિશન’ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2022 માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદેશ્ય સુંદર જાહેર સ્થળો તૈયાર કરવા અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવાની દિશામાં નવી પહેલ તરીકે નાગરિકો માટે ઉત્તમ વોર્ડ અને શહેરો બનાવવાનો છે. લોકમાન્ય તિલક બાગને ‘ગ્રીન સ્પેસ’ કેટેગરીમાં મળેલો એવોર્ડ શહેરની નૈસર્ગિક સૌંદર્યની સમૃદ્ધિને પ્રસ્થાપિત કરે છે. તે અમદાવાદની ભવ્યતાના પ્રતિક તરીકે શહેરી વસવાટ સાથે પ્રકૃતિને સંમિશ્રિણ સમાન વિક્ટોરિયા ગાર્ડનની ઓળખને પણ મજબૂત બનાવે છે. લોકમાન્ય તિલકમાં દરરોજ મોર્નિંગ વોકર્સ સહિત લગભગ 2500 થી 3000 લોકો ગાર્ડનની મુલાકાત લે છે, જ્યારે દર વર્ષે અંદાજે 10-11 લાખ લોકો આ ગાર્ડનની મુલાકાત લે છે. આ મહત્વપૂર્ણ સફળતા અંગે પ્રતિક્રિયા આપતા UNM ફાઉન્ડેશનના ચેરપર્સન સપના મહેતાએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ અમદાવાદ શહેરમાં વૃક્ષારોપણ, નૈસર્ગીક સંરક્ષણ અને ગ્રીન કવરના વિકાસ માટે UNM ફાઉન્ડેશનના પ્રયત્નને પ્રમાણિત કરે છે. સાથે-સાથે અમદાવાદ જેવા વિકાસશીલ શહેર માટે જીવંત અને સૌંદર્યપૂર્ણ જાહેર સ્થળોના નિર્માણ માટે પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમદાવાદનો વિક્ટોરિયા ગાર્ડન દેશના સૌથી જૂના બગીચાઓમાંનો એક છે.
1897 માં, નાગરિક વિચારસરણી ધરાવતા નાગરિકોના જૂથે સાથે મળીને રાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવાનું વિચાર્યું. આ વિચારને આગળ ધપાવતા, તે સમયની જેલની આજુબાજુના ‘જેલ ગાર્ડન યાર્ડ’ને વિક્ટોરિયા ગાર્ડનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. વર્ષ 1910 માં, પ્રખ્યાત શિલ્પી એચ. જી. મ્હાત્રે દ્વારા બનાવવામાં આવેલી રાણી વિક્ટોરિયાની આરસની પ્રતિમા ગાર્ડનમાં સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં આ પ્રતિમાં શહેરના સંગ્રહાલયમાં ખસેડવામાં આવી હતી. સમય જતાં, વિક્ટોરિયા ગાર્ડન અમદાવાદના લોકો માટે ઐતિહાસિક મહત્ત્વનું સ્થળ બની ગયું અને અમદાવાદ શહેર જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી પણ છે, તેના સ્થાપત્ય અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં તેણે ઉમેરો કર્યો.
લોકમાન્ય તિલક બાગ (વિક્ટોરિયા ગાર્ડન)ના રિકન્સ્ટ્રક્શન અને રિડેવલપમેન્ટના કાર્યોમાં આધુનિક ફુવારાઓની સ્થાપના કરવામાં આવી છે અને જૂના સ્પીકર સ્ટ્રક્ચર્સ સાથે હાલની પાણીની સુવિધાઓ યથાવત રાખવામાં આવી છે, આ સ્પીકર સ્ટ્રક્ચર્સનો ઉપયોગ જે તે સમયે સંગીત અને સમાચાર પ્રસારિત કરવા માટે થતો હતો. બગીચામાં એમ.કે. કોલ્હટકર દ્વારા બનાવવામાં આવેલી લોકમાન્ય તિલકની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ 1910માં ડૉ.બારીયન નાણાવટી દ્વારા તૈયાર કરવામાં આવેલ 110 વર્ષ જૂનો ફુવારો પણ જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે ‘મહા ગુજરાત શહીદ સ્મારક’નું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
આ બાગ ખાતે 30 થી વધુ પ્રજાતિઓના લગભગ 785 વૃક્ષો, 35,000 થી વધુ ફૂલોના છોડ સહિત વિવિધ પ્રકારના ઘાસ અને 100 થી વધુ પ્રજાતિઓની વનસ્પતિ ઉપરાંત “BAOBAB” નામનું આફ્રિકન મૂળનું વિશાળ હેરિટેજ વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. વૃક્ષોની પ્રજાતિઓમાં ઔષધીય, ઘાસ, સુગંધિત ફૂલો, સુગંધિત પાંદડા, વિવિધ રંગના ફૂલો, ફળો અને ફુલોથી સમૃદ્ધ વૃક્ષોનો સમાવેશ થાય છે. રિકન્સ્ટ્રક્શન અને રિડેવલપમેન્ટ પછી ગાર્ડનને મોર્નિગ વોક પર આવતા લોકો અને મુલાકાતીઓ માટે વધારાની સુવિધાઓ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યુ છે.