અમદાવાદ : લેખક અજિત પોપટના બે પુસ્તકોનું વિમોચન કરાયું

શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા રાગ સ્ટુડિયોમાં જાણીતા વરિષ્ઠ પત્રકાર, લેખક, સંગીતજ્ઞ અજિત પોપટના બે પુસ્તકોનું વિમોચન તથા વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અદભુત લેખનશૈલી દ્વારા અઢળક વિષયો પર માહિતીસભર લેખો અજિત પોપટે લખ્યા છે. આ સાથે સંગીત, સંગીતકાર અને સંગીતની દુનિયા વિશે ઘણાં લેખો લખ્યા છે. અજિત પોપટે સંગીતની પદ્ધતિસર તાલીમ પણ લીધી છે.

બે પુસ્તકોનું વિમોચન

સંગીતના સતત લગાવને કારણે ઘણાં ખ્યાતનામ સંગીતકારો વિશે લખ્યું છે. જેમાના શંકર જયકિસનની સંગીતયાત્રા, સ્વરબેલડી કલ્યાણજી આણંદજી એવા બે પુસ્તકોનું વિમોચન 21 ઓક્ટોબર શનિવારની સાંજે કરવામાં આવ્યું હતું. અજિત પોપટ લિખિત પુસ્તકોના વિમોચનના પ્રસંગે ગુજરાતી બુક્સ ક્લબના સ્નેહલ પટેલ, ચિરાગ પટેલ, પદ્મનાભ જોશી, કમલેશ અવસ્થી, બંકિમ પાઠક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિમોચન બાદ અજિત પોપટ સાથે સંવાદ

શંકર જયકિસનની સંગીતયાત્રા અને સ્વરબેલડી કલ્યાણજી આણંદજી આમ બે પુસ્તકોના વિમોચન બાદ અજિત પોપટ સાથે સંવાદ શરૂ થયો હતો. સંવાદક કુણાલ વ્હોરા દ્વારા સંગીત સાથે પત્રકાર જગતની પ્રશ્નોત્તરીના અજિત પોપટે રસપ્રદ અને ઉંડાણ પૂર્વક જવાબો આપ્યા હતા. અજિત પોપટના પત્રકારત્વ અને સંગીતની જાણકારીના અનુભવોના સંવાદને સાંભળી ઉપસ્થિત સૌ રોમાંચિત થઈ ગયા હતા.

પ્રજ્ઞેશ વ્યાસ