અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ: ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને ગુરૂવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ. આખી બિલ્ડિંગ ખાલી કરાઈ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી. અત્યાર સુધી માત્ર હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકીઓ મળી હતી. આ વખતે ઘી કાંટા ખાતે આવેલી મેટ્રો કોર્ટને બોમ્બથી ઉડાવવાની પ્રથમવાર ધમકી મળી છે.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિત સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સુરક્ષાના કારણોસર આખી બિલ્ડિંગ તેમજ અપના બજારમાં કાર્યરત કોર્ટના વિભાગોને પણ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઝોન-2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે અને સઘન ચેકિંગ કરવામાં આવી. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.