અમદાવાદ: શહેરના હનુમાન મંદિરો ચૈત્ર સુદ પૂનમ કષ્ટભંજન, પવનપુત્રનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે. કળયુગમાં સૌથી વધારે પૂજાતા ચિરંજીવ હનુમાનના જન્મોત્સવની ઠેર-ઠેર ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરના મોટાભાગના હનુમાન મંદિરેથી દર વર્ષ કરતાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી. મારૂતિ યજ્ઞો, સુંદર કાંડના પાઠ થયા. ધ્વજારોહણ, મંગળા આરતી, છપ્પનભોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. હનુમાન મંદિરોની બહાર યજ્ઞોની સાથે વિશાળ ભંડારા, મહાપ્રસાદીના આયોજનો જોવા મળ્યા.શહેરના કેમ્પના હનુમાન, છબીલા હનુમાન, નાગરવેલ હનુમાન, પંચમુખી હનુમાન જેવા અનેક હનુમાન મંદિરોએ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. કેમ્પના હનુમાનના સંચાલકોએ હનુમાન જન્મોત્સવ પહેલાં ૨૨મીને સોમવારના રોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન કર્યુ હતું. મંગળવારે હનુમાનજીને ૧૦૧ કિલોનો મહાલાડુ ધરાવાશે. મારૂતિ યજ્ઞ, ધ્વજારોહણ બાદ ભંડારો કરવામાં આવશે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)