અમદાવાદ : ચૂંટણી બહિષ્કાર કરવાના લાગ્યા બેનર્સ

ચૂંટણીઓ આવે એટલે દરેક વિસ્તારના મતદારોની અપેક્ષાઓનું સ્તર એકદમ વધી જાય. ગામ, શહેરની સમસ્યાઓ અને ફરિયાદોનો ટોપલો ઠાલવવા નેતાઓને નિશાન બનાવાય. કેટલીક વણઉકેલાયેલી  સમસ્યાઓના જવાબદાર ચૂંટાયેલા નેતા હોય છે. જેમાં તંત્ર ની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા નરી આંખે દેખાતી હોય છે. પરંતુ કેટલાક કિસ્સામાં રાજકીય પક્ષોના ઉમેદવારોને સ્થાનિક એટલે કે ગામ કે સોસાયટીઓના પ્રશ્નો સાથે  કંઇ જ લાગતું વળગતું ના હોય તો પણ ચૂંટણી બહિષ્કાર કરવાની ઝુંબેશમાં લાગી જતાં હોય છે.

ચૂંટણી બહિષ્કાર કરવાના નારા લાગ્યા

ગુજરાતની આ વખતની ચૂંટણીમાં પણ ચૂંટણી બહિષ્કાર કરવાના નારા લાગ્યા હતા. અને વિરોધના બેનર્સ પણ જોવા મળ્યા. અમદાવાદ શહેરના જગતપુર ક્રોસિંગ પાસે આવેલી સંકલ્પ ગ્રીન્સ સોસાયટી પર ચૂંટણી વિરોધનો ઉભો વિશાળ પટ્ટો લગાડવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે….’ બીયુ નહીં તો વોટ નહીં ‘ સોસાયટી બનાવનાર બિલ્ડરની ગડબડ અને મકાન ખરીદનારની બીયુ જોયા વગર ફ્લેટ ખરીદીની બેકાળજીમાં ચૂંટણીમાં ઉભેલા નેતાજી નો શું વાંક ?

વિકાસ નહીં તો વોટ નહીં

બીજી તરફ ગોતા ઓગણજ વચ્ચેના માર્ગ પર એક સોસાયટી બહાર ‘ ચૂંટણી બહિષ્કાર.. જાગો અને હક્ક માંગો…વિકાસ નહીં તો વોટ નહીં..’ ચૂંટણી કોર્પોરેશનની હોય કે વિધાનસભાની કે પછી સંસદની હોય ક્યાંકને ક્યાંક હક્ક માટે સાચો વિરોધ થતો હોય છે તો ક્યાંક રાજકીય પક્ષો પર દબાણ લાવવાના પ્રયાસો જોવા મળતો હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)