નવી દિલ્હી: દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સ ચીનની આક્રમક નીતિઓનો સામનો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઈન્સે હવે ભારતને અપીલ કરી છે કે ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સંરક્ષણ ગઠબંધન ‘સ્કવૉડ’માં સામેલ થાય. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવ ચરમ પર છે.
સ્કવૉડનું વિસ્તરણ કરવા માટે ભારત અને દ.કોરિયાને સામેલ કરવામાં આવશે
ફિલિપાઈન્સના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલએ જણાવ્યું હતું કે, ‘અમે જાપાન અને અમારા સહયોગી દેશો સાથે મળીને સ્કવૉડનું વિસ્તરણ કરવા ઈચ્છીએ છીએ, જેમાં ભારત અને સંભવતઃ દક્ષિણ કોરિયાને સામેલ કરવામાં આવે. ભારત અને અમારા સામાન્ય દુશ્મનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કવૉડ શું છે?
‘સ્કવૉડ’ એક અનૌપચારિક સંરક્ષણ ગઠબંધન છે, જેમાં ચાર દેશો લશ્કરી સહયોગ, ગુપ્ત માહિતીની વહેંચણી અને સંયુક્ત કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગયા વર્ષથી, આ દેશોના સંરક્ષણ દળોએ દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઈન્સના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં સંયુક્ત દરિયાઈ પ્રવૃત્તિઓ શરૂ કરી છે. હવે આ સંગઠનમાં ભારતને સામેલ કરવા માટે ઔપચારિક પ્રસ્તાવ મૂકવામાં આવશે.
ચીનનું વર્ચસ્વ અને લશ્કરી વિસ્તરણ
નવી દિલ્હીમાં રાયસિના ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના સૈન્ય અધિકારીઓએ ફિલિપાઈન્સ સાથે મળીને ઈન્ડો-પેસિફિકમાં દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો અંગે ચર્ચા કરી હતી.
ફિલિપાઈન્સના આર્મી ચીફે કહ્યું કે, ‘ચીને દક્ષિણ ચીન સાગરમાં ત્રણ કૃત્રિમ ટાપુ બનાવ્યા છે, જેના કારણે તે આ સમગ્ર વિસ્તાર પર નિયંત્રણ મેળવી રહ્યું છે. અમને આશંકા છે કે આવનારા સમયમાં ચીન આ સમગ્ર વિસ્તાર પર કબજો કરી શકે છે.’
આ મામલે ભારતીય નેવી ચીફે શું કહ્યું?
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે, ‘હિન્દ મહાસાગર ક્ષેત્રને શાંતિપૂર્ણ અને સ્થિર રાખવાની જવાબદારી ભારતની છે, જેથી વેપાર સરળતાથી ચાલે. ભારતીય નેવી સતત પોતાની હાજરી જાળવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં કોણ, ક્યાં અને કેવી રીતે કામ કરી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી પણ રાખી રહ્યું છે.’
શું ભારત સ્કવૉડમાં સામેલ થશે?
ફિલિપાઈન્સની વિનંતી બાદ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ભારત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે ‘સ્કવૉડ’માં સામેલ થાય છે અને ચીનના વધતા પ્રભાવને રોકવાની દિશામાં પગલાં ભરે છે કે નહી. હાલમાં ભારત હિન્દ મહાસાગરમાં પોતાની વ્યૂહાત્મક હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને ચીનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
