ઇંદોર બાદ હવે મહુમાં દૂષિત પાણીનો કહેરઃ બે ડઝન લોકો બીમાર

મહુઃ ઇંદોરમાં દૂષિત પાણીથી થતી મોતની ગૂંજ હજી શમી પણ નહોતી કે હવે જિલ્લામાં આવેલા મહુમાંથી પણ ગંભીર સ્થિતિ સામે આવી છે. અહીં ગંદું પાણી પીવાથી કમળા જેવા ચેપ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને સૌથી વધુ અસર બાળકો પર જોવા મળી રહી છે. મહુના પટ્ટી બજાર અને મોતી મહેલ વિસ્તારમાં છેલ્લા 10થી 15 દિવસમાં અંદાજે બે ડઝન લોકો બીમાર થયા છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નળમાંથી આવતું પાણી દૂષિત છે અને તેમાં તીવ્ર દુર્ગંધ છે. આ પાણી પીધા બાદ લોકોની તબિયત બગડવા લાગી છે. અનેક ઘરોમાં એકસાથે બાળકો બીમાર પડી ગયાં છે. ક્યાંક શાળાએ જતાં બાળકો પથારીવશ થઈ ગયાં છે તો ક્યાંક બાળકો પરીક્ષાઓ ચૂકી રહ્યાં છે. 12મા ધોરણની વિદ્યાર્થિની અલીના ચેપને કારણે પ્રી-બોર્ડ પરીક્ષા આપી શકી નથી, જ્યારે નવ વર્ષની લક્ષિતા અને 12 વર્ષનો ગીતાંશ કમળાથી પીડાઈ રહ્યા છે. એક જ પરિવારનાં છ બાળકો ઘણા દિવસોથી બીમાર છે.

 નાનાં બાળકો હોસ્પિટલમાં દાખલ

મોતી મહેલ વિસ્તારમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. નાનાં બાળકોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં છે, જ્યારે એક વૃદ્ધને લિવર ઇન્ફેક્શનને કારણે ઇંદોર રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તેઓ લાંબા સમયથી દૂષિત પાણી અંગે ફરિયાદો કરી રહ્યા હતા, પરંતુ સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. રહેવાસીઓના જણાવ્યાનુસાર પીવાના પાણીની પાઇપલાઇન ગંદા નાળાઓ વચ્ચેથી પસાર થાય છે અને અનેક જગ્યાએ લીકેજ હોવાને કારણે નાળાનું પાણી સપ્લાય લાઇનમાં મળી જાય છે. પરિણામે ઘરો સુધી દૂષિત પાણી પહોંચે છે.

વિધાનસભ્ય પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા

ગયા ગુરુવાર રાત્રે વિસ્તારનાં વિધાનસભ્ય ઉષા ઠાકુર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં હતાં. તેમણે બીમાર બાળકો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો અહેવાલ લીધો અને અધિકારીઓને તાત્કાલિક સારવાર, દવાઓની ઉપલબ્ધતા, દૂષિત પાણીની સપ્લાય બંધ કરવા અને વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. એ સાથે જ પાઇપલાઇનની ટેક્નિકલ તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.