VIDEO: 614 વર્ષ પછી નગરદેવી નગરચર્યાએ નીકળ્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ: આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઇ રહી છે. સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાવીને રથ નગરયાત્રાએ નીકળ્યો છે. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે.

અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટી પડ્યા છે.યાત્રાના રૂટમાં માણેકચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.

રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

કર્ણાવતી નગરને વસાવનાર રાજા કર્ણદેવ હતા અને તેમનાં કુળદેવી ભદ્રકાળી માતાજી હતાં. રાજા કર્ણદેવે માતા ભદ્રકાળીની સ્થાપના કરી હતી, જેથી તેને નગરદેવી કહેવામાં આવ્યાં છે. લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલાં કર્ણાવતી નગર હતું, ત્યારે માતાજીની નગરયાત્રા નીકળતી હતી. જે સમયથી મોગલકાળ શાસન શરૂ થયું, ત્યારથી આ નગરયાત્રા બંધ થઈ ગઈ હતી.