ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાશે, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી: આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે EPICને આધાર નંબરથી જોડવા માટે કલમ 326, આર.પી. અધિનિયમ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુસાર, બંધારણીય નિયમોમાં રહીને આ મામલે કામગીરી કરવામાં આવશે. આજે ચૂંટણી પંચ અને UIDAIની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં UIDAI અને ECIના નિષ્ણાંતો વચ્ચે ટેકનિકલ વિચાર-વિમર્શ ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે 18 માર્ચ, 2025ના રોજ તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા.

ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPICને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 23(4), 23(5) અને 23(6) અને WP (સિવિલ) નં. 177/2023માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરવામાં આવશે.