સાયન્સ સિટીનું નવું નજરાણું : એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થયો. જે 15મી મેના રોજથી સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. ગેલેરીમાં 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ છે, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે. 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મૂકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીના ઉદ્ઘાટન સમયે જણાવ્યું કે, “હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી 15મી મે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે.”કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે. ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે.પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના ૩૦ જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યાં છે.ભારતના એસ્ટ્રોનોમી એન્ડ  સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. સાથે-સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ આપશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઊભી કરવામાં આવેલી આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે.172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનો એકમાત્ર ઊંચો પ્લેનેટેરિયમ છે. આ સાથે 24 ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઈંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે. ઉપરાંત 6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી મૂકાયો છે, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.