મુંબઈઃ ધાણીવારી ખાતે 28 જૂને, રવિવારે જિલ્લા પરિષદ શાળા, ભારત વિકાસ પરિષદની વૈદિક મીરા શાખાના સહયોગથી તથા ASREC કંપનીના CSR ફંડ દ્વારા નિર્મિત નવા વર્ગખંડના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ASREC કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) ગિરીશ સિંહા અને મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અંગદ રોય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, અનેક સભ્યો, શાળાના શિક્ષકો-શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ તેમ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

સંસ્થાના વક્તાઓએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે CSR હેઠળ આપવામાં આવેલો આ સહયોગ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. ભારત વિકાસ પરિષદ વૈદિક મીરા શાખા દ્વારા સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવાં લોકહિતકારી કાર્યો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




