અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક પર ભારતે લગાવી ફટકાર

અફઘાનિસ્તાનની સરહદની અંદર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી સૈન્ય એરસ્ટ્રાઈકની ભારતે કડક શબ્દોમાં નિંદા કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ હુમલાને ‘ખુલ્લી આક્રમકતાનું કૃત્ય’ ગણાવીને તેને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો ગણાવ્યો હતો. ભારતના આ આકરા વલણ પર હવે પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલી પોતાની સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાને ભારતના નિવેદનને ફગાવ્યું

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહીર અંદ્રાબીએ જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ પાકિસ્તાનની કાયદેસર, લક્ષિત અને વાજબી કાર્યવાહી પર ભારતીય વિદેશ મંત્રાલયના પાયાવિહોણા નિવેદનને પાકિસ્તાન સખત શબ્દોમાં ફગાવી દે છે.” આ સાથે જ પાકિસ્તાને ઉલટો આક્ષેપ કર્યો કે ભારત પોતે જ યુએન (UN) ચાર્ટરનું ઉલ્લંઘન કરે છે અને પડોશી દેશોની સંપ્રભુતામાં દખલ કરે છે. આ દરમિયાન પાકિસ્તાની પ્રવક્તાએ જમ્મુ-કાશ્મીર મુદ્દાને લઈને પણ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી.

પાકિસ્તાનનો ભારત પર જૂનો આક્ષેપ

ઇસ્લામાબાદે ફરી એકવાર એવો દાવો કર્યો છે કે ભારત અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાનની વિરુદ્ધ ગતિવિધિઓ કરવા માટે કરે છે. એટલું જ નહીં, પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારત આતંકવાદી સંગઠનોને ફંડિંગ પૂરું પાડી રહ્યું છે. પાકિસ્તાને ઉમેર્યું કે તેના નાગરિકોની સુરક્ષા માટે તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર તમામ યોગ્ય પગલાં લેતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ લેશે.

ભારતે પાકિસ્તાનને લગાવી હતી જોરદાર લતાડ

આ અગાઉ, પાકિસ્તાની એરસ્ટ્રાઈક પર આકરા પ્રહારો કરતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “આ ઘટના પાકિસ્તાનના બેજવાબદાર વર્તનની સાતત્યતા દર્શાવે છે. પોતાની સરહદોની બહાર હિંસા આચરીને તે પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. ભારતે સત્તાવાર નિવેદનમાં ઉમેર્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની સખત નિંદા કરે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક સામાન્ય નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાનની આ ખુલ્લી આક્રમકતા અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો છે. ભારત અફઘાનિસ્તાનની અખંડિતતા પ્રત્યે પોતાનું અતૂટ સમર્થન પુનરાવર્તિત કરે છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.”

એરસ્ટ્રાઈક અંગે અફઘાનિસ્તાન (તાલિબાન) નું શું કહેવું છે?

પાકિસ્તાન સરકારે 29 June ના રોજ દાવો કર્યો હતો કે તેમની એરસ્ટ્રાઈકમાં અફઘાન સરહદ નજીક 29 આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે X પર એક પોસ્ટમાં સત્તાવાર આરોપ લગાવ્યો છે કે રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 36 સામાન્ય નાગરિકોના મોત થયા છે અને અન્ય 163 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તાલિબાને પાકિસ્તાનના આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા, માનવીય સિદ્ધાંતો અને અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.