સરકારી કંપનીઓ પાસેથી કરોડોનો GST વસૂલ્યો પણ જમા ના કરાવ્યો!

અમદાવાદ: ગુજરાત સ્ટેટ સીડ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ સહિતની સરકારી 80થી 90 કંપનીઓમાં માનવબળ (હ્મુયન રિસોર્સિસ) પૂરું પાડતી કંપનીએ બિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલ્યો. પરંતુ તેને સરકારમાં જમા કરાવ્યો નહી. આમ કરીને GST મેસર્સ ઝેરઝેક્સ એચ. આર. સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડના વીરભદ્ર પ્રતાપસિંહ ચૌહાણે અંદાજીત 7 કરોડ રૂપિયાની GST ચોરી કરી. જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. વીરભદ્રસિંહે પોતનો ગુનો કબૂલ કરી લીધો છે.ગાંધીનગર સ્થિત CGST કચેરીના સિનિયર અધિકારી સાથે ચિત્રલેખા.કોમ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે જો કોઈ વેપારી એક કંપની પાસેથી GST વસૂલે છે તો સામે તે વેપારીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે. પરંતુ અહીં સરકારી કચેરીઓ હોવાથી કોઈને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતું ન હતું. સામે છેડે વીરભદ્રસિંહ તેની બેલેન્સ સીટમાં પણ ખુબ જ ફોર્જિંગ કરી રહ્યો હતો. આ કૌભાંડ વીરભદ્રસિંહ 2017ના વર્ષથી કરી રહ્યો હતો. વાત ત્યારે બહાર આવી જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પોતાના ત્યાં કોન્ટ્રાક્ટથી રાખેલાં વ્યક્તિઓનો TDS સરકારમાં ભર્યો. અને તેનાં બિલ મૂકતાં CGST ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવ્યું કે, મેસર્સ ઝેરઝેક્સ એચ. આર. સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની અહીં સર્વિંસ પ્રોવાઈડ કરે છે. જે GST સાથેના બિલ સરકારમાં મૂકે છે. પરંતુ તેનો GST રજિસ્ટ્રેશન  નંબર (GSTIN – 24AAACX2026L1ZG) તો વર્ષ 2019માં જ રદ થઈ ગયો હતો. કારણ કે કંપનીએ ક્યારેય GST રિટર્ન ફાઈલ કર્યું જ ન હતું. વીરભદ્રસિંહની કંપનીએ આચરેલી ગેરરીતિનો અંદોજો આવતા ગુરૂવારે તેમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે તેમને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વીરભદ્રસિંહની કંપનીએ 80 થી 90 જેટલી સરકારી કંપનીઓને સર્વિસ પૂરી પાડી હતી. તેમની પાસેથી 18% લેખે GST ચાર્જ વસૂલ કર્યો. આ કરચોરી તે 2017ના વર્ષથી કરતા આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલાં વર્ષોથી કોઈપણ અધિકારીને આ વાતની ગંધ કેમ આવી નહિં? સરકારી ચોપડે તો આ કૌભાંડ માત્ર 6.74 કરોડ રૂપિયાનું જ છે. પરંતુ વર્તુળોનું કહેવું છે કે વાસ્તવમાં આ આંકડો મોટો હોઈ શકે છે.  આ કેસમાં જવાબદાર કંપનીના ડિરેક્ટર વીરભદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહણની CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેમને વધુમાં વધુ માત્ર 5 વર્ષની સજાની જોગવાઈ છે.